ચકચાર@ફતેપુરા: ટીડીઓની સામે જ પ્રમુખે કરી ગાળાગાળી, નરેગા કર્મીએ કરી માર માર્યાની ફરિયાદ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકા પંચાયતમાં આજે ચોંકાવનારી ઘટના બની હોવાની વાત આખા પંથકમાં પ્રસરી ગઇ છે. ટીડીઓની ચેમ્બરમાં અને ટીડીઓની હાજરીમાં અચાનક નરેગા કર્મચારી ઉપર ગાજ પડી હતી. ખુદ પ્રમુખે આવેશમાં આવીને ટીડીઓની નજર સમક્ષ નરેગાના ટેકનિકલ કર્મચારીને ગાળાગાળી કરી હોવાનું ફેલાઇ ગયું છે. વાતની વિગતો જાણવા આક્ષેપ કરનાર નરેગાના ટેકનિકલ કર્મચારી આમલીયારે તો ત્યાં સુધી જણાવ્યું કે, પ્રમુખ ભરત પારગીએ ધડાધડ મારપીટ કરી હતી. આ દરમ્યાન વધુ મારથી બચવા કચેરી છોડી જતાં રહ્યા અને ટીડીઓએ બચાવેલ નહિ ત્યારે આખરે લેખિતમાં રજૂઆત કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી અને નરેગાના ટેકનિકલ કર્મચારી કમલેશ આમલિયાર બાબતે આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નરેગામા ફરજ બજાવતાં ટેકનિકલ કર્મચારી આમલીયારની કામગીરીથી છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ વિચારમાં હતા. આ દરમ્યાન આજે ટેકનિકલ કમલેશ આમલિયાર ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ગયા હતા ત્યારે સનસનીખેજ ઘટના બની ગઈ. મનરેગાના કામો બાબતની ચર્ચા/સુચના/કામગીરી અંગે ટીડીઓની હાજરીમાં મૌખિક વાતચીત દરમ્યાન પ્રમુખે પિત્તો ગુમાવ્યો હતો. પ્રમુખ ભરત પારગીએ ગુસ્સે થઈને અચાનક નરેગાના ટેકનિકલ કર્મચારી કમલેશ આમલિયારને બેફામ ગાળો આપી મારપીટ કરી હતી તેવું લેખિત અરજી આધારે સામે આવ્યું છે. નીચેના ફકરામાં વાંચો સૌથી મોટો ખુલાસો.
આ ઘટનાક્રમ હતો કે કેમ તે અંગે કમલેશ આમલિયારને પૂછતાં જણાવ્યું કે, ટીડીઓની હાજરીમાં પ્રમુખે ગાળો ભાંડી અને પછી મારપીટ કરી હતી. આ દરમ્યાન ટીડીઓએ બચાવ ના કર્યો પરંતુ અન્ય કર્મચારી બચાવવા જતાં તેમની સાથે પણ ઘર્ષણ કર્યું હતુ. આથી ન્યાય માટે ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી અને ડીડીઓને ટેલિફોનિક ધ્યાન દોર્યું હોવાનું કહ્યું હતુ. આ પછી પ્રમુખ ભરત પારગીને આવી ઘટના હતી કે કેમ પૂછ્યું તો સામે વળતો સવાલ કર્યો કે તમે તાલુકા પંચાયતમાં હતા? ના હતો તો ફોન મૂક. આ પછી જાણવા મળ્યું કે પાછળથી સ્થાનિક ધારાસભ્ય રમેશ કટારા પણ તાલુકા પંચાયત પહોંચ્યા હતા એટલે રમેશ કટારાને પુછ્યું. ઘટના બાબતે ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું કે, ગાળાગાળી કરી હતી પરંતુ માર માર્યો નથી અને પ્રમુખને સુચના આપી છે કે, આવું કરવું નહિ. કર્મચારીએ કામો ડીલીટ કર્યાનો આક્ષેપ પણ ધારાસભ્ય રમેશ કટારાએ લગાવ્યો હતો.
સમગ્ર મામલે સૌથી મોટો સવાલ થાય છે કે, તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી ભરત પારગીને કોણે કાયદો હાથમાં લેવાની સત્તા આપી ? ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું કે, ગાળાગાળી કરી છે તો પ્રમુખ ભરત પારગી કેમ ઘટના છૂપાવે છે ? ક્યાં સુધી ફતેપુરા તાલુકા પંચાયતના પ્રામાણિક અને મહેનતું કર્મચારીઓને ડરાવવા, ધમકાવવામા આવશે? કર્મચારીઓની વહીવટી કામગીરી સામે દાદાગીરી કેમ થાય છે ? આ સવાલો હોઈ બીજા રીપોર્ટમાં કોણ ખોટી દાદાગીરી કરીને ગેરકાયદેસર કરાવવા ઈચ્છે તેનો ઘટસ્ફોટ કરવા પ્રયત્ન કરીશું.