ચકચાર@ગુજરાત: અવનીનું બાજરી444++ રજીસ્ટર હતું? ખેતી નિયામકની યાદીમાં નામ ક્યાં છે? ચોંકાવનારા ખુલાસા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અવની સિડ્સના બાજરા 444++ બિયારણ બાબતે થયેલા ગંભીર દાવાઓ અને સવાલો બાદ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી લડત આપતાં અરજદારે માહિતી કમિશ્નર કચેરીમાં કરેલી ધારદાર દલીલો વચ્ચે સૌથી મોટો ખુલાસો કરતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ મેળવેલી વિગતો આધારે અરજદારે નાયબ ખેતી નિયામક(સિડ્સ)ના 2 પત્રો રજૂ કર્યા છે. તેમાં વર્ષ 2013થી 2021 સુધીના અવની સિડ્સના વિવિધ બિયારણોની યાદી છે પરંતુ તેમાં બાજરી 444++ નું નામ નથી. બીજી મહીસાગર તરફ ડિસેમ્બર 2021 માં નાયબ ખેતી નિયામક (સિડ્સ) પત્ર કરે છે કે, રજીસ્ટ્રેશન રદ્દ કરીએ છીએ. એટલે હવે સૌથી મોટો સવાલ થાય કે, અગાઉ અવની સિડ્સના બાજરા 444++ રજીસ્ટ્રેશન હતા કે કેમ? રજીસ્ટ્રેશન વાળી યાદીમાં નામ નથી તો કેવી રીતે વર્ષોથી ધમધોકાર વેચાય છે? સમગ્ર મામલે હવે ખુદ ખેતી નિયામકની કચેરી ભયંકર શંકાના દાયરામાં આવી રહી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ગુજરાતમાં ખેતી નિયામકની કચેરી હેઠળ આવતી (સિડ્સ) શાખા ક્યારેક ખાનગી કંપનીના બિયારણની નોંધણી શરૂ કરે છે તો ક્યારેક બંધ કરે છે. જોકે બંધ, શરૂ, બંધ અને શરૂ વચ્ચેના સમયગાળામાં અવની સિડ્સના વિવિધ બિયારણોની એક યાદી સહિતના કાગળો અરજદારે ગાંધીનગર સ્થિત માહિતી કમિશ્નરની કચેરીમાં રજૂ કરી દેતાં ઉપસ્થિત રહેલા 2 અધિકારીઓને પરસેવો વળી ગયો હતો. કોર્ટમાં ન્યાય કરતાં માહિતી કમિશ્નરે સીધો સવાલ કર્યો હતો કે, રજીસ્ટ્રેશન નથી તો વેચાણ થાય ? ત્યારે હાજર રહેલા અધિકારીઓએ લાંબુ લચક લેક્ચર આપ્યું પરંતુ રજીસ્ટ્રેશન નથી તો વેચાણ કેમ? તેનો સ્પષ્ટ ખુલાસો અરજદાર મેળવી શક્યા નહોતા. હવે અવની સિડ્સના બાજરા 444++ વિશે વધુને વધુ ગંભીર સવાલો કેમ ઉભા થયા તે પણ સમજીએ.
અરજદાર વિષ્ણુભાઈ પટેલે ગાંધીનગર સ્થિત માહિતી કમિશ્નરની કચેરીમાં બતાવેલ કાગળો મુજબ નાયબ ખેતી નિયામક (સિડ્સ)ની કચેરી દ્વારા નાણાંકીય વર્ષ 2013થી 2021 સુધીના કુલ 53 બિયારણની જાતોની યાદી આપેલી છે. રજીસ્ટ્રેશન ધરાવતી અવની સિડ્સના આ 57 જાતોમાં બાજરી444++ નું નામ નથી. આથી ગંભીર અને ચોંકાવનારો સવાલ થાય કે, તો પછી અવની સિડ્સના બાજરા 444++ નું ક્યારે રજીસ્ટ્રેશન થયું હતું. જો રજીસ્ટ્રેશનની યાદીમાં નામ નથી તો ખુદ નાયબ ખેતી નિયામક સિડ્સ ડિસેમ્બર 2021 માં અવનીના બાજરી444++નું રજીસ્ટ્રેશન રદ્દ કરે છે એ કેવી રીતે? આ સવાલો અને તેના હકીકતના જવાબો સરકારની પારદર્શકતા તેમજ ખેડૂતના હિતમાં જરૂરી હોઈ અમોએ ખેતી નિયામક સોલંકીને સવાલ કર્યો ત્યારે આ કાગળો આઉટસાઈડના કહીને સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતુ. આ પછી કાગળો સાચા કે ખોટા તેની ખરાઇ કરવી જરૂરી હોવાનું ધ્યાને દોરતાં રેકર્ડ જોઈ લઉં તેમ કહ્યું હતુ.