ચકચાર@હાલોલ: પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનને ચોંકાવનારા વોટ્સએપ, તમારા પ્રાદેશિક અધિકારી તોડ કરે

 
Halol
અધિકારીની કામગીરી ઉપર ભયંકર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

હાલોલ, કાલોલ પંથકમાં આવેલ થોકબંધ પ્લાસ્ટિકના યુનિટો બાબતે પંચમહાલ કલેક્ટર દ્વારા થયેલ કાર્યવાહી બાદ મામલો ચોંકાવનારા આક્ષેપો ઉપર પહોંચી ગયો છે. તત્કાલીન કલેક્ટર દ્વારા નિયુક્ત ટાસ્ક ફોર્સની ટીમે એકસામટી જોરદાર કાર્યવાહી કરી પરંતુ તે પછીના સમયમાં જે કંઈ થઈ રહ્યું તેના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપોનો મારો થયો છે. આમાં ભાજપી વિચારધારાના એક આગેવાને તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનને ચકચારી વોટ્સએપ સંદેશા કર્યા છે. જેમાં લખ્યું છે કે, તમારા પ્રાદેશિક અધિકારી દવે અને બીજા કર્મચારીઓ તોડ કરે છે. આટલા હદે ગંભીર આરોપ છતાં ચેરમેન બારડ રૂબરૂ આવો, તમારી ફરિયાદ મેમ્બર સેક્રેટરીને આપી છે તેમ કહે છે. જોકે સૌથી મોટો સવાલ કે, આવા અમર્યાદિત આક્ષેપ શું એમ જ થઈ જાય ? જાણીએ સમગ્ર અહેવાલ.


પંચમહાલ જિલ્લાના હાલોલ અને કાલોલ પંથકમાં પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં પ્લાસ્ટિકના ઝબલા બનાવતા યુનિટો ઉપર કેટલાક મહિના અગાઉ વહીવટીતંત્રએ બૂલડોઝર જેવી કાર્યવાહી કરી હતી. આ પછી ઝડપાયેલ જથ્થાનો પોલ્યુશન કંટ્રોલ દ્વારા નિયમાનુસારનો નિકાલ હોય, સીલ થયેલા યુનિટોની રિવોકેશન અરજીઓ હોય, વિજ કનેક્શન ચાલુ, બંધ હોય તેવા વિષયોમાં કંઈ રંધાયુ અને રંધાઇ રહ્યાના આક્ષેપો વધુ ગયા છે. વાત આટલી નથી, પ્લાસ્ટિક યુનિટના વ્યવસાય સાથે સંકળાયેલા અને ભાજપા વિચારધારાના આશિષ નામે વ્યક્તિએ તો ચેરમેનને વોટ્સએપ મેસેજો કરી પ્રાદેશિક અધિકારી પ્રદિપ દવેની કામગીરી ઉપર ભયંકર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી દીધો છે. આર.ઓ તોડ કરે તેવા શબ્દો સાથે મેસેજ કર્યા છતાં ચેરમેન બારડ નકારવાને બદલે રૂબરૂ મળજો અને તમારી ફરિયાદ મેમ્બર સેક્રેટરી ઠાકરને આપી તેમ જણાવે છે. આ પછી અરજદાર આશિષે ઠાકરને પણ મેસેજો કર્યા હતા. વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, લેખિતમાં પણ કેટલાક શાહબંધુઓએ ચેરમેનને ચોંકાવનારા આક્ષેપો સાથે રજૂઆતો કરી છે. આથી આ સમગ્ર મામલે ચેરમેન બારડ અને મેમ્બર સેક્રેટરી ઠાકરને અલગ અલગ સમયે સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ ફોન ઉપાડ્યો ના હતો. આ બાબતે મેસેજ કરનાર અરજદાર આશિષભાઇને પૂછતાં જણાવ્યું કે, "ઉઘરાણું થાય જ છે, આજેપણ સીલવાળા યુનિટો ચાલુ અને પાછલાં બારણે રહેમનજર હેઠળ પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં પ્લાસ્ટિકના ઝબલાનો ધંધો બેરોકટોક ચાલુ છે"" વધુમાં અરજદાર જણાવે છે કે, બધા કર્મચારીઓની બદલી થશે પરંતુ હાલના ગોધરા આર.ઓ દવેની બદલી થવી અતિ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ગોધરા પ્રાદેશિક અધિકારીની કચેરીના પારદર્શક વહીવટ સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.