ચકચાર@ઝાલોદ: ગંજબજારની તપાસના કાગળો જોઈ ચોંક્યા ડિરેક્ટર, તાત્કાલિક દાખલ કરી અપીલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધિશોના વિવિધ વહીવટમાં ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો બાદ તપાસ થઈ છે. તપાસના કાગળો જ્યારે ડિરેક્ટર અને પૂર્વ વાઇસ ચેરમેન વિજયભાઈએ જોયા ત્યારે ચોંકી ગયા છે. તપાસમાં બેદરકારી બાબતે અને કાગળોની પૂર્તતા નહિ થતાં ડિરેક્ટર વિજયભાઈએ તાત્કાલિક અસરથી રજીસ્ટ્રારને અપીલ કરી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે વિગતો આપતાં જણાવ્યું કે, તપાસમાં પૂર્તતા રાખી નથી અને અગત્યના કાગળોની મને ખાત્રી કરાવ્યા વગર કૌભાંડ ના હોવાનું લખીને જણાવી દીધું છે. શું તપાસમાં રહી કચાશ ? તપાસ અને અપીલ બાબતે વિગતે જાણીએ.
દાહોદ જિલ્લાની ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ વાઇસ ચેરમેન વિજયભાઈ કોળીએ ચેરમેન અને સેક્રેટરીના વહીવટ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો સાથે રજૂઆત કરી હતી. આ બાબતે દાહોદ જિલ્લા રજીસ્ટ્રારના સહકારી અધિકારી રાઠોડની ટીમે તપાસ પૂર્ણ કરી અહેવાલ પણ સુપ્રત કરી દીધો છે. જોકે તપાસમાં શું આવ્યું તે જાણવા ડિરેક્ટર વિજયભાઈએ કાગળો મેળવી જોયું તો ચોંકી ગયા છે અને તાત્કાલિક ધોરણે અપીલ અરજી દાખલ કરી છે. વિજયભાઈ કોળીએ જણાવ્યું કે, તપાસ અધિકારીએ તપાસમાં કચાશ રાખી છે અથવા પૂરતાં પ્રમાણમાં કાગળો નથી આપ્યા એટલે અપીલ દાખલ કરી છે અને તપાસના કાગળો જો મને આપ્યાં તેટલા હશે તો તપાસમાં લાલિયાવાડી સ્પષ્ટ થશે. જેથી આગામી સમયમાં હાઇકોર્ટમાં પણ રજૂઆત કરીશું. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝાલોદ એપીએમસીમાં તપાસ કરવા જતી સહકારી અધિકારીની ટીમને કૌભાંડ શોધવામાં અથવા સાબિત કરવામાં સફળતા મળશે અથવા તે સ્થિતિએ પહોંચશે કે કેમ તે મામલે શરૂઆતથી જ સવાલો હતા. ચેરમેન ખુદ ધારાસભ્ય પણ હોવાથી મામલો શરૂઆતથી રાજકીય ચર્ચાઈ રહ્યો હતો પરંતુ તપાસના કાગળો પૂરતાં ના હોય અથવા તપાસમાં બેદરકારી દાખવી હોય તો વિષય ખૂબ જ ગંભીર બની શકે છે. કેમ કે ડિરેક્ટર આજેપણ કહે છે કે, વખતોવખત સેક્રેટરીને રજૂઆતો/વાંધા અરજીઓ આપેલ છતાં તપાસ અધિકારીએ રીપોર્ટમાં લખ્યું કે, વાંધા આપેલ નથી. તપાસ અધિકારીનું આ જુઠ્ઠાણું ટૂંક સમયમાં ઘટસ્ફોટ કરી જાણીએ.