ચકચાર@ખેડા: કોન્સ્ટેબલે વોટ્સએપ કોલમાં પીએસઆઇની ઓળખ આપી કાંડ કર્યો, વિદેશથી રેકોર્ડિંગ આવ્યું, તુરંત સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ખેડા જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની કરતૂતનો એવો કિસ્સો સામે આવ્યો કે, ખુદ તેના ઉપરી પોલીસ અધિકારીઓ ચોંકી ગયા છે. લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલે પાંચ સાત વર્ષોની નોકરીમાં એવું તો શું કર્યું કે, બેફામ જૂઠ બોલી, ખોટાં નામો વટાવી, ખોટાં હોદ્દાનું નામ ધારણ કરી સામેની વ્યક્તિને ઈચ્છુક બાબત કરવા મજબૂર કરવાની બેફામ હિંમત બનાવી દીધી? ખેડા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે એક વ્યક્તિને વોટ્સએપ કોલમાં પોતાની ઓળખ પીએસઆઈની આપી નાણાંકીય વ્યવહાર સંબંધિત વાત કરી હતી. હવે આ વોટ્સએપ કોલના એક નહિ બે રેકોર્ડિંગ ફરતાં ફરતાં હકીકતના પીએસઆઇ સુધી આવી જતાં મામલો એસપી સુધી પહોંચ્યો હતો. હજુ હમણાં જ બદલી થયેલા એસપી રાજેશ ગઢિયાએ તાત્કાલિક અસરથી પોલીસ કોન્સ્ટેબલ સત્યદીપને સસ્પેન્ડ કર્યા પરંતુ સૌથી મોટો સવાલ થાય કે, આ ગંભીર બાબત હોઈ ગુનો દાખલ થઈ શકે તેવી ઘટના છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ સ્ટાફમા બેફામ અને બેફાટ વહીવટદારો વધી ગયા અને તેમનો ખૌફ પણ અતિ વધી ગયાની બૂમરાણ છે. આ બૂમરાણની વચ્ચે પોલીસ કોન્સ્ટેબલનો ચોંકાવનારો ચહેરો ખેડા જ નહિ પરંતુ આસપાસના જિલ્લાના પોલીસ બેડામાં સસ્પેન્ડના એક હુકમથી સામે આવતાં ચકચાર મચી ગઇ છે. વાત જાણે એવી છે કે, ખેડા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા લો.૨.પો.કો. સત્યદીપસીંહ રામદેવસીંહનાઓ વોટ્સઅપના માધ્યમથી અમેરિકાના કોઈ રોકીભાઇ નામના વ્યક્તિને તમારા ગેરકાયદેસર ધંધા અને ગેરકાયદેસર નાણાંકીય વ્યવહાર બાબતે વાત કરે છે. આ વાતચીતની બે ઓડીયો કલીપ નડીયાદ પશ્ચીમ પોલીસ સ્ટેશનના પી.આઇ કે.એચ ચૌધરીનાઓ સુધી પહોંચી હતી. જેમાં એક ઓડિયો કલીપ ૦૫:૪૦ મીનીટ તથા બીજી ઓડીયો કલીપ ૦૧:૨૮ મીનીટની છે. જે ઓડીયો ક્લીપમાં અમો નડીયાદ પશ્ચીમ પો.સ્ટે.માં પી.એસ.આઇ. તરીકે નોકરી કરૂ તેવી ઓળખ આપી અને વાતચીત દરમ્યાન ખોટી રીતની લેવડદેવડની વાતમા ઉપરી અધિકારીની સંમતી છે તેવો ઉલ્લેખ હતો.
વોટ્સએપ કોલ છતાં ફરતી ફરતી આવેલી આ ઓડિયો ક્લિપ સાંભળી નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઇ ચોંકી ગયા હતા અને વાત ફેલાઇ જતાં જિલ્લાભરના પોલીસ કર્મચારીઓ માટે નાકનો સવાલો બની ગયો હતો. જોકે તાત્કાલિક અસરથી ઓડીયો ક્લીપની વાતચીતમાં અવાજની ખરાઇ 2 પોલીસ કર્મચારીઓ પાસે કરાવતાં અવાજ પોલીસ કોન્સ્ટેબલ સત્યદીપનો જ હોવાનું જણાઇ આવ્યું હતુ. આથી ફરિયાદ એસપી સુધી જતાં પોલીસ કોન્સ્ટેબલ સત્યદીપને સસ્પેન્ડ કરીને લખ્યું કે, તમારી સાત મહીના અગાઉ બદલી હેડક્વાર્ટર, ખેડા ખાતે થઇ ગયેલ હોવા છતાં ખોટી ઓળખ આપી સામેવાળી વ્યક્તિને વિશ્વાસમાં કેળવી પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટેશનને ખોટી રીતે બદનામ કરી તમારી ગેરકાયદેસર પ્રવૃતિને અંજામ આપેલ છે. આથી તમો પોલીસ ખાતાના એક જવાબદાર કર્મચારી તરીકે ફરજ બજાવતાં છતાં ખાતાને ના શોભે તેવું કૃત્ય કરી ગુજરાત રાજય સેવા (વર્તણુક) નિયમો ૧૯૭૧ ના નિયમ-૩(૧)(૨)(૩) નો ભંગ કરી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને કસુર દાખવેલ હોઈ કસુર સબબ મુંબઇ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમ-૩ (૧) (અ-૨) ની જોગવાઇ હેઠળ હુકમ મળ્યા તારીખથી ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવે છે અને ફરજ મોકુફી દરમ્યાનનું મુખ્ય મથક “ખેડા હેડક્વાર્ટર નક્કી કરવામાં આવે છે.