ચકચાર@નર્મદા: ટ્રાયેબલનુ કામ સામે ઠેકેદારે 30 લાખ આપ્યા, વચેટિયાએ છેક પાટનગર મોકલ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચારનો ભરડો વધી ગયો એટલે ભાજપા વિરોધીઓ નેતાઓ મજબૂત થયાં છે. આ વાત એટલા માટે સમજવા જેવી કે, તાજેતરમાં ટ્રાયેબલના એક મસમોટાં કામ સામે ઠેકેદારે અધધધ.. રકમ સાહેબને પહોંચતી કરી હતી. જાણીને નવાઇ લાગશે કે, સાહેબે પણ હોંશે હોંશે આ મલાઇ લેવા અમદાવાદના એક માણસ મારફતે છેક ગાંધીનગર મંગાવી લીધા હતા. આ ભ્રષ્ટાચારની ચોંકાવનારી રકમ આપનાર ઠેકેદારે કંઈ એકાદ કામ નહિ પરંતુ થોકબંધ કામો લીધા અને કરોડોની કમાણી કરીને આપ્યા હતા. જાણીએ ભ્રષ્ટાચારી ટોળકીનો આ સ્પેશ્યલ રિપોર્ટ.
નર્મદા જિલ્લામાં વિકાસશીલ અને ટ્રાયેબલની કરોડોની ગ્રાન્ટ વર્ષે દહાડે આવતી હોય છે. આ ગ્રાન્ટ થકી ઈરાદાપૂર્વક બિનજરૂરી માલસામાન આપવા/લેવાની લ્હાયમાં મોટો કાંડ રચાય છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતના ગુંજન નામે ઠેકેદારે નર્મદા જિલ્લામાં ટ્રાયેબલની ગ્રાન્ટથી કરેલા વેપાર સામે સાહેબને 30 લાખની લાંચ આપી હતી. હવે તમે વિચાર કરો કે, કેટલી ઉંચી ટકાવારી હશે અથવા વેપારીએ સાવ હલકી કક્ષાનો માલસામાન આપ્યો હશે ત્યારે 30 લાખનો બેનામી વહીવટ થયો હોય. આટલુ જ નહિ, ગુંજન નામે ઠેકેદારે અમદાવાદના મહેશ નામના કોઈ વચેટિયા મારફતે છેક ગાંધીનગર 30 લાખ પહોંચતાં કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાયેબલના બાહોશ અધિકારી મુરલી ક્રિષ્ના અને ગુલાટી જો નર્મદા જિલ્લામાં છેલ્લા 5 વર્ષની ગ્રાન્ટ ક્યાં ખર્ચાઈ અને તેની સમગ્ર પ્રક્રિયા ઉપર તપાસ કરવા ઉતરી જાય તો અનેકના ગરબા ઘરભેગા થાય તેમ છે. કેમ કે આ ઠેકેદારે સરકારી પૈસે ગરીબ લાભાર્થીઓના હિતાર્થે આપેલો માલસામાન કેટલી ગુણવત્તા ધરાવે છે તે જોતાં જ ખબર પડે તેમ છે. આટલુ જ નહિ, ઠેકેદાર અને તેના સાહેબે ભેગાં મળીને જે વેપાર કર્યો તે ખરેખર તાત્કાલિક જરૂરિયાતનો હતો અથવા ખૂબ મહત્વનો અત્યંત માંગણીનો હતો ?તેની તપાસ થાય તો પણ પૂર્વ આયોજિત વેપારનો ભાંડો ફૂટી જાય તેમ છે. જાણકારોના મતે, અનેક ફરિયાદો ઉપરના બંને પ્રામાણિક અધિકારી સુધી પહોંચી હોવાથી હવે ઠેકેદાર અને સાહેબની લીંક તૂટી રહી છે. જેનો અહેવાલ આગામી રીપોર્ટમાં.