ચકચાર@પાટણ: પોલીસ સ્ટેશન સામે જ લાંચ લેતાં કોન્સ્ટેબલ ઝડપાયો, દારૂના ધંધા સામે 10હજાર માંગ્યા હતા

 
Police station
ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનની ટીમે આજે લાંચના છટકાનુ આયોજન કર્યું હતુ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


પાટણ શહેરમાં ફરી એકવાર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હદ તો ત્યારે થઈ કે, પોલીસ સ્ટેશનની સામે જ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતાં હતા. આટલુ જ નહિ, લાંચ પણ અગાઉ દારૂના ધંધા મામલે લેવા નિકળતાં હોવાનું કહી 10હજાર માંગતા એસીબીએ આજે રંગેહાથ 10હજારની રકમ સ્વિકારતા કોન્સ્ટેબલ દેસાઈને પકડી લીધાં છે. જાણીએ સમગ્ર અહેવાલ.

પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુદ ફરજ પરના પોલીસ કર્મચારીને લાંચ લેતાં એસીબી પોલીસે પકડી લીધાં છે. ઘટનાની વિગત મુજબ એક જાગૃત નાગરિકના માતા અગાઉ દારૂનો ધંધો કરતા હતા, તે સમયની બાકી નિકળતી 10હજારની રકમ મામલે પાટણ એ ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હિતેશ હરગોવિંદભાઇ દેસાઇ (રહે.ગામ શંખારી, તા.જી.પાટણ) વારંવાર માંગણી કરતાં હતા. આ તરફ ફરીયાદીએ લાંચની ગેરકાનૂની માંગણી બાબતે એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આથી ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનની ટીમે આજે લાંચના છટકાનુ આયોજન કર્યું હતુ. આથી પાટણ મામલતદાર કચેરી પાસે અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનની નજીક પોલીસ કોન્સ્ટેબલ હિતેશ દેસાઈએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને નજીકમાં જ ચ્હાની લારી ચલાવતાં વિજયજી ઇશ્વરજી ઠાકોરને લાંચના નાણાં આપી દેવા કહ્યું હતુ. આથી વચેટીયા વિજયજી ઠાકોરે પણ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી લીધા હતા. 


સૂત્રોએ જણાવ્યું હતુ કે, બરાબર આ સમયે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનની ટીમે તુરંત પહોંચી બંને આરોપીને સ્થળ ઉપર પકડી લીધાં હતા. પોલીસ સ્ટેશનની એકદમ નજીક ખુદ પોલીસ સ્ટેશનનો જ કોન્સ્ટેબલ તેના વચેટીયા મારફતે લાંચ લેતાં ઝડપાઇ ગયાની વાત જોતજોતામાં પ્રસરી જતાં ચકચાર મચી જવા પામી છે. મામલતદાર કચેરી અને એ ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક થયેલી એસીબી ટ્રેપથી લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.