ચકચાર@પાટણ: હોસ્ટેલના ખર્ચમાં શાળામાં બૂમરાણ પછી ડીપીઇઓ કચેરીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા

 
Patan
સમગ્ર મામલે કાર્યકરો જિલ્લા પંચાયત પહોંચી ગયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


શંખેશ્વર તાલુકાની પ્રાથમિક શાળામાં સિઝનલ હોસ્ટેલ બાબતે રૂબરૂ મુલાકાતે ગયેલા સ્થાનિક સામાજિક કાર્યકરોનો વિડિયો વાયરલ થયો હતો. શાળાનાં આચાર્ય અને સામાજિક કાર્યકરો વચ્ચે સરકારની ગ્રાન્ટ, ખર્ચ, હકીકતમાં થતી કામગીરી બાબતે લાંબી ચર્ચા થઈ હતી. જેમાં કથિત ઓડિયોમાં એવી વાત સામે આવી કે, ઉપર આપવા પડે છે. આ કથિત આક્ષેપવાળી વાત ગંભીર બનતાં મામલો જિલ્લા પંચાયત પહોંચ્યો હતો. અહીં આવેલા સામાજિક કાર્યકરોએ ખૂબ પ્રયત્ન કરી ડીપીઈઓ સાથે મુલાકાતની જીદ પકડી પરંતુ કલાકો સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એકબીજાની વાતચીતમાં જીદે ચડેલા બંને બાજુથી કોઈ નિરાકરણ નહિ આવતાં સત્તાવાર મુલાકાત/ફરિયાદ થઇ નહોતી. સિઝનલ હોસ્ટેલના ખર્ચમાં કૌભાંડની કથાના ગંભીર આક્ષેપોનો પૂરો રિપોર્ટ જાણીએ.


પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામની પ્રાથમિક શાળામાં ગત દિવસે અચાનક સામાજિક કાર્યકર વિપુલ ઠાકોર સહિતના મુલાકાતે ગયા હતા. સિઝનલ હોસ્ટેલની ગ્રાન્ટમાં પારદર્શકતાના અભાવનો ભંડાફોડ કરવા થયેલી આ રૂબરૂ મુલાકાતમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શરૂઆતમાં સ્થાનિક આગેવાન વિપુલ ઠાકોરની ટીમ અને શાળાના આચાર્ય વચ્ચે કામગીરી અને જોગવાઈની ચર્ચા થાય છે. જેમાં રાત્રિ ભોજન નહિ અપાતું હોવાનું અને સવારનું પણ જોગવાઈ મુજબ અપાતું નહિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી થયેલી ખાનગી ચર્ચામાં એક કથિત ઓડિયોમાં ઉપર સુધી આપવા પડે તેવી વાત આવતાં ચકચાર મચી ગઇ હતી. શાળાનાં આચાર્ય ટોટલ ગ્રાન્ટ માંથી 25 ટકા ઉપર આપવા પડે તેવું બોલતાં હોવાનો દાવો થયો છે. આ પછી સમગ્ર મામલે કાર્યકરો જિલ્લા પંચાયત પહોંચી ગયા હતા. વાંચો નીચેના ફકરામાં.

પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં આવેલી પ્રાથમિક શિક્ષણાધિકારી ઓફિસે વિપુલ ઠાકોર સહિતના ગયા હતા. અહીં ઉપર સુધી આપવા પડે અને ટકાવારીના કથિત આક્ષેપની ફરિયાદ કરવાની તૈયારી કરવામાં આવી પરંતુ ડીપીઈઓ ચાવડા સાથે સત્તાવાર મુલાકાત થઈ નહિ. વિપુલ ઠાકોરની ટીમે ખૂબ લાંબા સમય સુધી રાહ જોઈ ડીપીઈઓ ચાવડાને કેમેરાની હાજરીમાં મળવાની દોડાદોડી કરી પરંતુ શક્ય બન્યું નહિ. આ દરમ્યાન કેમેરાની સામે મળવું અને મળવું નહિની જીદ વચ્ચે કર્મચારીઓ પણ અહીં તહીં કરતાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સમગ્ર મામલે વિપુલ ઠાકોરે માહિતી આપતાં જણાવ્યું કે, એકબાજુ સિઝનલ હોસ્ટેલના ખર્ચમાં ગેરરીતિ અને બીજું ઉપર સુધી ટકાવારીની ફરિયાદ ડીપીઇઓને કરવી હતી પરંતુ કેમેરાની સામે મળવાનો ઈન્કાર કર્યો હતો. 

ટૂંકમાં સમજીએ આ મોટો ભ્રષ્ટાચાર છે કે કેમ ?


ગુજરાત સરકાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં એવા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ આપે છે કે જેમનાં માતાપિતા કે વાલી વર્ષ દરમ્યાન ટૂંકા ગાળા માટે બહાર મજૂરી અર્થે હોય. આ દરમ્યાન આવા વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો, બપોરે મધ્યાહ્ન ભોજન અને રાત્રિનું ભોજન સહિત રહેવાની સગવડ શાળા કરે છે. આ માટે વર્ષ દરમ્યાન આવતી લાખોની ગ્રાન્ટના વહીવટમાં ભ્રષ્ટાચારની બૂમરાણ ત્યારે સામે આવી જ્યારે કેમેરાની સામે અને કેમેરા વગર શાળાનાં આચાર્યે અનેક ખુલાસાઓ કરી દીધા.