ચકચાર@સંજેલી: શિક્ષકો પાસેથી ખુદ શિક્ષકના આગેવાનો ફાઇલ મુજબ નાણાં લેતાં હોવાનો આરોપ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલી તાલુકામાં ફરી એકવાર શિક્ષકોના આંતરિક ગજગ્રાહ અને કથિત વહીવટનો મુદ્દો સામે આવ્યો છે. શિક્ષકો પાસેથી ખુદ શિક્ષકોના બની બેઠેલા કહેવાતા આગેવાનો વચેટિયા બની ફાઈલ દીઠ ચોક્કસ રકમનું ઉઘરાણું લેતાં હોવાનો સનસનીખેજ આરોપ મૂક્યો છે. ખુદ એક શિક્ષકે વિડિયો થકી આરોપ મૂકતાં જણાવ્યું છે કે, અનેક લાચાર શિક્ષકોના ફોન આવી રહ્યા છે કે, પેન્શનની ફાઇલમાં, ઉચ્ચતરના કેસમાં અને એરિયર્સના કામોમાં ટીપીઈઓ કચેરીના બની બેઠેલા નેતુડા નાણાં વગર કામ કરતાં નથી. અહિં સૌથી મોટો સવાલ થાય કે, ભૂતપૂર્વ ટીપીઈઓ અતુલ ભાભોરને આવા કથિત એજન્ટોની જાણ નતી? શું આવી ફરિયાદો વિડિયો થકી જાહેર થાય છે તો તત્કાલીન ટીપીઇઓ અતુલ ભાભોરને ક્યારેય ફરિયાદ આવી નથી? શિક્ષકોના વર્તુંળમાં તો ત્યાં સુધી આક્ષેપો થયા કે, રમેશ સેલોત, ભુરિયા અને પટેલ વિવિધ કામોના એજન્ટો બની તમામ ફાઇલો ટીપીઈઓ કચેરી માટે કરતાં રહ્યાં છે. સનસનીખેજ આક્ષેપનો આ ચોંકાવનારો સ્પેશ્યલ રિપોર્ટ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના શિક્ષણ જગતને શર્મસાર કરતાં આક્ષેપોનો વિડિયો ખુદ શિક્ષક દ્વારા જાહેર થયો છે. રાઠોડ મુકેશભાઈ નામના શિક્ષકે સંજેલી તાલુકા શિક્ષણાધિકારીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના વિવિધ કામો છેલ્લા કેટલાક વર્ષોથી અમુક માણસો કરી રહ્યા છે અને તેમાં રૂપિયાની ઉઘરાણી થતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આથી ટીપીઇઓ કચેરી વહીવટી કામો માટે નવા શિક્ષકોનો સહકાર મેળવે તેવી પણ માંગ કરી છે. આ પછી શિક્ષક મુકેશભાઈએ એક વિડીયો થકી નામજોગ આરોપ મૂકતાં કહ્યું છે કે, રમેશ સેલોત, ભુરિયા અને પટેલ વિવિધ કેસોમાં મોટાપાયે ઉઘરાણું કરી રહ્યા છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઉઘરાણું કેવા પ્રકારનુ એ બાબતે પૂછતાં તમામ કામો ટીપીઇઓ કચેરીને કરવાના હોય પરંતુ સ્ટાફ ના હોવાના ઓથા હેઠળ શિક્ષકો પાસેથી વહીવટી કામો કરાવી કથિત એજન્ટોની ભૂમિકા આપી/અપાવી આક્ષેપમાં જણાવ્યા મુજબ નાણાંકીય વહીવટ થાય છે. આ તરફ રમેશ સેલોત નામે શિક્ષકને પૂછતાં જણાવ્યું કે, મુકેશભાઈ અગાઉ પણ આક્ષેપો કરી ચૂક્યા પરંતુ હવે કોર્ટમાં માનહાનિનો કેસ કરવામાં આવશે. આ તરફ અન્ય એક શિક્ષકે જણાવ્યું કે, વર્ષ 2023 થી 20 ના ઉચ્ચતરમા આવ્યો છતાં ઉચ્ચતરનુ કામ પૂર્ણ થયું નથી. જ્યારે આ તરફ તત્કાલીન ટીપીઈઓ અતુલ ભાભોરને પૂછતાં જણાવ્યું કે, આક્ષેપો ખોટાં છે અને કોઈ શિક્ષકનું કામ વિલંબમાં જાય તો અમારે વહીવટી સ્ટાફ ના હોય એટલે વિલંબ થાય એમ કહ્યું હતુ.