ચકચાર@સંજેલી: નાણાંપંચની ગ્રાન્ટમાં ઓનલાઇન બોગસ બીલો મૂક્યાની ફરિયાદ, સ્થળો ચકાસી ડીડીઓને આપી અરજી

 
સંકેલી
કુલ 6 કામો જમીની સ્તરે ના હોવાનો દાવો કર્યો છે

સંજેલી તાલુકામાં જનજાગૃતિ વધી એટલે ભ્રષ્ટાચારીઓને રાત્રે ઉંઘ હરામ થતી જાય છે ત્યારે વિસ્તારની વધુ એક ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયાની ફરિયાદ ઉઠી છે. ગામલોકોએ ઓનલાઇનમાં દર્શાવેલ કામો જમીન ઉપર જઈ ચકાસી ઝીરો કામ થયાનું જાણી સંજેલી ટીડીઓ અને હવે દાહોદ ડીડીઓને ફરિયાદ કરી છે. મોલી ગૃપ ગ્રામ પંચાયતના વિવિધ વિસ્તારોમાં રસ્તા, નાળાં અને એલ.આઇ સહિતના કામો જે જગ્યાએ બતાવ્યા ત્યાં ના હોવાનો દાવો કરી તપાસ આધારે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. સ્થળ ઉપર સરેરાશ 5થી6 કામો નથી તેવી વિગતો આપી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ડીડીઓને રજૂઆત કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ? ટીડીઓ પોતાને પારદર્શક અને સૌથી હોશિયાર સમજે છે એટલે આક્ષેપવાળી પરંતુ સરકારના નાણાંકીય હીતો સંબંધિત ફરિયાદોની તપાસો ઝડપી અને પારદર્શક નથી કરાવતાં? સંજેલી ગ્રામ પંચાયત બાદ મોલી ગૃપ ગ્રામ પંચાયતના નાગરિકોએ પણ સ્થળ ઉપર કામો ના થયાનું જણાવી ઓનલાઇન બોગસ બીલો મૂકી ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ટીડીઓ બાદ હવે ડીડીઓને કરી છે. સીસી રોડ, વોશિંગ ઘાટ, નાળાંનુ કામ અને મીની એલ.આઇ સહિતના ગત 2 નાણાંકીય વર્ષના કુલ 6 કામો જમીની સ્તરે ના હોવાનો દાવો કર્યો છે. અરજદાર અમિત બારીયા અને કિરણ બારીયાએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આપ્યું છે કે, સ્થળ ઉપર કામ કર્યા વગર નાણાંપંચની ગ્રાન્ટના પૈસા ઉપાડી લીધા હોઈ રિકવરી કરવા અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોલી ગામમાં બારીયા પારસીંગભાઇ દીતાભાઇના ઘરથી ભાભોર છગનભાઇના ઘર સુધીનો સીસીરોડ (વર્ષ 21-22), મોલી ગામે તળાવ ઉપર વોશિંગઘાટ (વર્ષ 22-23), મોલી ગામે મેઈન રોડથી તાવિયાડ રાજુભાઇ રૂપાભાઇના ઘર સુધીનો સીસીરોડ (વર્ષ 22-23), પ્રાથમિક શાળાથી મહાદેવ મંદિર સુધીનો સીસીરોડ, મોલી ગામે નાળાંનુ કામ અને નિસરતા ફળિયામાં મીની એલ.આઇ સહિતના કામો સ્થળ ઉપર ના હોવાનો ચોંકાવનારો દાવો લેખિતમાં થતાં ચકચાર મચી જવા પામી છે. આથી જાગૃત નાગરિકોએ ભેગા મળીને સરપંચ અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા ડીડીઓને રજૂઆત કરી છે. સૌથી મોટી વાત એ પણ સામે આવી કે, ટીડીઓ કૃણાલ ડામોર એવો તો કેવો વહીવટ કરે છે કે, ગામેગામથી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે. કેમ કે વારંવારની ફરિયાદોથી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની રાજની પાર્ટીની પારદર્શક છબી બાબતે પ્રશ્ન ઉપસ્થિત થતાં હોવાનો પણ કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.