ચકચાર@અંજાર: શ્રમિકોના ઝૂંપડાઓને આગ ચાંપી બાળકો સહિત જીવતા સળગાવી નાખવા પ્રયાસ

 
અંજાર આગ ની ઘટના

ફાયર બ્રિગેડ ઉપરાંત લોકો એકઠા થઇ જતાં આ શ્રમિકો ને બચાવી લેવામાં સફળતા મળી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંજાર શહેરમાં પુરુષો અને મહિલા શ્રમિકો ને મફત મજૂરી માટે લઈ જતાં માથાભારે ઈસમ દ્વારા દાદાગીરીની હદ વટાવવા ના બનાવે કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર સર્જી છે. એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સલામતી અંગે દાવાઓ કરી રહ્યા છે, બીજી બાજુ કચ્છ જિલ્લામાં માથાભારે તત્વો જાણે કોઈની યે બીક ન હોય એમ ખૂની ષડયંત્ર નો ખેલ ખેલી રહ્યા છે.

કચ્છના ઐતિહાસિક શહેર અંજાર મધ્યે બૂટલેગરો અને માથાભારે ઈસમો ની દાદાગીરી સામે લોકોનો આક્રોશ વધ્યો છે. તેમાંયે અંજારની ખત્રી બજારમાં રહેતા ૧૨ શ્રમિક પરિવારો ને જીવતા સળગાવી નાખવાના પ્રયાસે હાહાકાર સર્જ્યો છે. આ શ્રમિક પરિવારોની મહિલાઓ અને પુરુષોને મફત મજૂરી માટે લઈ જતાં માથાભારે ઈસમ મોહમ્મદ રફીક ઉર્ફે બટી હાજી કાસમ કુંભાર દ્વારા ૮ ઝૂંપડાઓ ને આગ લગાડાઈ હતી. આ સમયે વીજળીના વાયરો સુધી આગ ની જ્વાળાઓ પહોંચતા કડાકા ભડાકા થયા હતા.ફાયર બ્રિગેડ ઉપરાંત લોકો એકઠા થઇ જતાં આ શ્રમિકો ને બચાવી લેવામાં સફળતા મળી હતી. પોલીસે આ શ્રમિકોને ઝૂંપડા સળગાવી નાખવાની ધમકી આપનાર આરોપી મોહમ્મદ રફીક ઉર્ફે બટી હાજી કાસમ કુંભાર સામે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ ઝૂંપડા માં ૧૨ પરિવારો અને તમના બાળકો સહિત ૩૭ જણા રહેતા હતા. આ તમામ ને જીવતા સળગાવી નાખવાનો શેતાનીયત ભર્યો વિચાર કરનાર આરોપી મોહમ્મદ રફીક કુંભાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ઝૂંપડાઓ સાથે ઘર વખરી અને બચત ની પુંજી પણ નષ્ટ થઈ જતાં આ શ્રમિક પરિવારો લાચાર બન્યા છે.