ચકચાર@દાહોદ: મહિલા અધિકારી અને કોન્ટ્રાક્ટર ધવાએ બેફામ કમાણીના રેકોર્ડ તોડ્યા, સંશોધન રીપોર્ટ

 
દાહોદ
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓ અગાઉ એક મહિલા અધિકારી ફરજ પર હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં કોઈ અધિકારી ગમે તે રીતે સરકાર દ્વારા આવતાં હોય પરંતુ આવ્યા પછી દાહોદ બહું ગમી જાય છે. આ ગમી જવાનું કારણ કંઈ બીજું નહિ પરંતુ ગરીબ આદિવાસીઓ માટેની સરકારની યોજના અને તેની ગ્રાન્ટનો વહીવટ છે. કેટલાક મહિના અગાઉ એક મહિલા અધિકારી અને ધવાએ કોઈપણ યોજનામાં વેપારી પ્રવૃત્તિની કચાશ રાખી નથી. જાણકારોના મતે, મહિલા અધિકારીને ભલે રાજકીય સાથે મનમેળ ના આવેલ હોય પરંતુ વિવિધ કામની ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટર ધવા સાથે મોટો વેપારી નાતો બની ગયો હતો. ધવો આમ તો મોટા કદનાં ઠેકેદારની હેઠળ કામ કરતો પરંતુ આ મહિલા અધિકારી જ્યાં સુધી દાહોદ રહ્યા ત્યાં સુધી બેફામ કમાણી કરવા અને મેડમને કરાવવા કોઈ ખામી રાખી નથી. જાણીએ સમગ્ર અહેવાલ.


દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓ અગાઉ એક મહિલા અધિકારી ફરજ પર હતા. નવા આવેલા આ મહિલા અધિકારીએ શરૂઆતમાં કડક છાપ બનાવી વહીવટદારો અને રાજકીય વર્તુળો વિશે જાણકારી મેળવી લીધી હતી. આ પછી મેડમને ધ્યાનમાં આવ્યું કે, તમામ યોજનામાં ઠેકેદાર અને રાજકીય માથાં કામ કરે છે ત્યારે મેડમ અધિકારીએ પણ અંગત વિશ્વાસુની જરૂર પડી હતી. આ દરમ્યાન આરોગ્ય વિષયક સાથે સંકળાયેલા ધવાનો સંપર્ક વિશ્વાસપાત્ર બની જતાં મેડમ અધિકારીએ પણ વિવિધ કામની ગ્રાન્ટમાં વેપારી માનસિકતા બનાવી લીધી હતી. ધવા અને મેડમ અધિકારી વચ્ચે વિશ્વાસ વધી જતાં ધવાને અનેક કામોના કોન્ટ્રાક્ટના વહીવટ મળવા લાગ્યા હતા. આ પછી ધવાએ પાછળ વળીને જોયું નહિ જે યોજનામાં ધવાને કંઈ લેવાદેવા નહોતી તેમાં પણ મેડમ સાથે ધવાને ધનપ્રાપ્તિ થવા લાગી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદમાં જ્યાં સુધી મેડમ અધિકારી રહ્યા ત્યાં સુધી ધવાને કોઈપણ યોજના, ગ્રાન્ટમાં કે કોન્ટ્રાક્ટમાં તકલીફ રહી નહિ અને સામે મેડમને પણ ધવા જેવો વિશ્વાસુ મળી જતાં કરોડોમાં સાઈડ ઈનકમ બેફિકર મળતી રહી હતી. સ્થાનિકોમાં અને રાજકીય વર્તુળોમાં જ્યારે ખબર પડી કે, આપણા ભાગે કંઈ આવતું નથી એટલે હોબાળો થવાનો અણસાર જોઈ મેડમ અને ધવાએ જોરદાર રસ્તો શોધી લીધો હતો. કોઈ મોટો ઘટસ્ફોટ થાય નહિ તે માટે જે લોકો નારાજ હતા તેઓને નાનામોટા કામો આપી દીધા હતા. જો ધવા અને મેડમ અધિકારીની આવક સામે સંપત્તિની તપાસ થાય તો સરકારની તિજોરી ભરવામાં મોટી સફળતા મળી શકે છે. બીજા રીપોર્ટમાં જોઈશું કે, ક્યાં થયો છે યોજનાકીય વેપાર અને તેનાથી ગરીબ આદિવાસીઓને ક્યાં થયો અન્યાય?