ચકચાર@સાબરકાંઠા: મનરેગા હેઠળ ટેન્ડર વિના ખરીદ્યા કરોડોના રોપા, કૌભાંડની મોડસ ઓપરેન્ડી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનુ ઈ રીક્ષા ખરીદી બાદ વધુ એક ચોંકાવનારૂ કૌભાંડ સામે આવ્યું છે. એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી હેઠળ બાગાયતના રોપાના બીલો આધારે કરોડોની ગ્રાન્ટ ચૂકવી દેવામાં આવી છે. ટેન્ડર ના કરવું પડે એટલે સરકારનાં નાણાંકીય હીત વિરૂદ્ધનો જુગાડ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. રોપા ખરીદવાની અગાઉથી જ સુનિયોજિત પધ્ધતિ હેઠળ તમામ લાભાર્થીઓના એક જ પાર્ટીના બીલો મેળવી ખુદ લાભાર્થીઓના જ લખાણનો આધાર મેળવી ખરીદી અને ચૂકવણું પાર પાડ્યું હતુ. આ ખરીદી અને ચૂકવણું સરકારના હીત વિરૂદ્ધ હોઈ અનેક કર્મચારીઓ નારાજ પણ બન્યા છતાં સૂબેદારે કાગળ ઉપર બરાબર જ છે એવું તરકટ કરી ચૂકવણું કરવાનું પાર પાડ્યું હતુ. જાણીએ સમગ્ર અહેવાલ.
સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખા દ્વારા તાલુકાઓમાં વિવિધ પ્રકારના કામોની વહીવટી જોવામાં આવે છે. કેટલાક મહિના અગાઉ ચારથી પાંચ તાલુકામાં બાગાયત પાકો માટે રોપા ખરીદવાની દોડધામ એજન્સીએ કરી આખી બ્લ્યુ પ્રિન્ટ મૌખિક રીતે ડીઆરડીએ સમક્ષ રજૂ કરી હતી. આ પછી વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, હિંમતનગર, તલોદ સહિતના તાલુકાઓમાં રોપા ખરીદવામાં આવ્યા હતા. આ માટે લાભાર્થીઓ મારફતે ઠરાવો સહિતના કાગળો મૂકવામાં આવ્યા ત્યારે બીલો પણ એક જ એજન્સીના રજૂ થયા હતા. પહેલાંથી જ બધું નક્કી હતું એટલે બીલો એક જ પાર્ટીના આવવાના હતા એટલે ટેન્ડરના વિકલ્પ રૂપે મોટી શોધ કરી લેવામાં આવી હતી. તાલુકા પંચાયતે તમામ લાભાર્થીઓના પ્રમાણપત્ર મેળવ્યા કે, સદર રોપાનું ચૂકવણું બીલ મુજબની પાર્ટીને કરવામાં આવે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજનામાં મટીરીયલ ખરીદી માટે ટેન્ડર ફરજીયાત છે. એમાં પણ જો કોઈ એક જ પ્રકારના મટીરીયલ એકસાથે અનેક જગ્યાએથી થવાના હોય ત્યારે એસઓઆર મુજબ ભાવો મંજૂર હોય તો પણ ટેન્ડર કરવું પડે. હવે અહિં કરોડોની રકમનાં રોપાનુ ચૂકવણું ટેન્ડરના વિકલ્પ રૂપે કરવા ડીઆરડીએ અને તાલુકાની ટીમે લાભાર્થીઓ પાસેથી લખાણ મેળવીને ભ્રષ્ટાચાર નથી તેવો આધાર લીધો હતો. હકીકતમાં બધા જ લાભાર્થીઓને કેવી રીતે અને કેમ એક જ એજન્સીના બીલો મૂકવા પડ્યા અને કેવી રીતે એજન્સી બધા લાભાર્થીઓ સુધી પહોંચી તે સૌથી મોટો સવાલ છે. આગામી ન્યૂઝ રિપોર્ટમાં વાંચી શકશો વધુ ગંભીર ખુલાસાઓ.