છેતરપિંડી@અમદાવાદ: ઓનલાઇન ગેમની લતમાં શોરુમ મેનેજર જ બન્યો ચોર, 37.82 લાખની છેતરપિંડી આચરી

 
છેતરપિંડી
આરોપી ઓનલાઈન રમી ગેમની લતમાં લાગ્યો અને દરરોજ શો રૂમના વકરામાંથી થોડા થોડા પૈસાની ચોરી કરતો હતો. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ઓનલાઈન રમી ગેમની લતમાં યુવક ચોર બન્યાનો કિસ્સો ધ્યાને આવ્યો છે. શો રૂમમાં કામ કરતા કર્મચારી એ જ કિંમતી મોબાઇલની ચોરી કરી હતી. વાત વિગતે કરીએ તો આરોપી જગદિશ ઉર્ફે જેડી ચૌહાણ અને રાજકુમાર નાયક છે. જેમણે ફોન શો રૂમમાંથી મોબાઈલની ચોરી કરીને રૂપિયા 37.82 લાખની છેતરપિડી આચરી છે.

ઘટના એવી છે કે એસજી હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલા મોબાઈલના એક શોરૂમમાંથી 26 ફોન અને રૂ 3.50 લાખ રોકડની ચોરી થઈ હતી.CCTV ફુટેજ ચેક કરતા સ્ટોર મેનેજર જગદીશ ચૌહાણની સંડોવણી ખુલતા સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારી ગયો હતો. જેથી તેણે શોરૂમમાંથી છ માસ દરમિયાન મોબાઈલની ચોરી કરી હતી. જેમા મોબાઈલની કિંમત 21.89 લાખ અને વેચાણની રોકડ કિંમત 15.93 લાખ સહિત કુલ રૂ 37.82 લાખની ઉચાપત કરી હતી. પોલીસે ચોરી કેસમા રૂપિયા એક લાખની રોકડ, બાઈક અને 9 મોબાઈલ સહિત રૂ 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે મેનેજર જગદીશ ચૌહાણની સાથે મોબાઈલ ખરીદી કરનારા આરોપી રાજકુમાર નાયકની પણ ધરપકડ કરી છે. આ બન્ને આરોપીના રિમાન્ડને લઈને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ કોઈ અન્ય ચોરીના મોબાઈલ ખરીદ્યા છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.