છેતરપિંડી@છોટાઉદેપુર: સરકારી યોજનાનો લાભ અપાવવાનાં બહાને છેતરપીંડી, લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત

 
છેતરપિંડી

અહીંયા આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને કારણે કેટલાક લેભાગી તત્વો તેઓનો લાભ ઉઠાવી રહ્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છોટા ઉદેપુર જિલ્લામાં સરકારની યોજનાઓનો લાભ અપાવવાના બહાને લાભાર્થીઓ પાસેથી તેમના ડોક્યુમેન્ટ લઈ જઈ તેમની જાણ બહાર વાહન ખરીદીની લોન કરી દેતા આવા પીડિત લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને કારણે કેટલાક લેભાગી તત્વો તેઓનો લાભ ઉઠાવી રહ્યા છે.આ જિલ્લાના કેટલાક ગામોના લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે ભરતભાઈ બ્રહ્મભટ્ટ અને ઇમરાનભાઈ મકરાણીએ કેટલાક લોકો પાસેથી તેમના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા.

આ ડોક્યુમેન્ટ મેળવી તેઓના નામ પર બાઈક તેમજ ટ્રેક્ટરની લોન કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરીને આજે પીડિત લાભાર્થીઓએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી છે