છેતરપિંડી@માધવપુરા: સોપારીના હોલસેલ વેપારી સાથે ઠગ દંપતી સહિત 3 લોકોએ રૂ.6.52 કરોડની આચરી ઠગાઇ

 
એફ આઈ આર

વેપારીએ માધવપુરામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માધવપુરામાં ત્રણ પેઢી ધરાવીને સોપારીનો હોલસેલ વેપાર કરતા વેપારી સાથે ઠગ દંપતી સહિત ત્રણ લોકોએ રૂ.6.52 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ પેમેન્ટની ચૂકવણી ન કરીને કોઇની મિલકત પોતાની હોવાનું કહીને સરકારની વેબસાઇટ પરથી ખોટી અને બનાવટી પહોંચ બતાવીને તે મિલકત પર લોન લીધા બાદ પેમેન્ટ આપવાનો ભરોસો આપ્યો હતો. જો કે છતાંય આરોપીઓએ પેમેન્ટ ન આપતા વેપારીએ માધવપુરામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા મનિષભાઇ શાહ માધવપુરા માર્કેટમાં મનીષ પ્રોપરાઇટર, મોહીત સોપારી, પદ્મશ્રી સપ્લાયર્સ નામની ત્રણ પેઢી ધરાવી હોલસેલમાં સોપારીનો વેપાર કરે છે. ચિતરાંગે અવાર નવાર મનિષભાઇ પાસેથી માલ લઇને પેમેન્ટ ચૂકવીને વિશ્વાસ સંપાદન કર્યો હતો. બાદમાં તેણે પાંચ કરોડની રકમ ન ચૂકવતા મનિષભાઇએ તેને માલ આપવાનો બંધ કરી દીધો હતો. એક દિવસ ચિતરાંગ અને તેની પત્ની સાથે હર્ષા એન્જિનિયરિંગના સીઇઓ પીલક શાહે તેમની કંપનીનો આઇપીઓ બહાર પડ્યો હોવાનું કહીને દંપતીના બાકી પેમેન્ટની જવાબદારી લઇને મનિષભાઇને માલ આપવા જણાવ્યું હતું. જો કે ચિતરાંગે કુલ 7.75 કરોડનો માલ લઇને રૂ. 2.07 કરોડનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. અન્ય પેઢીમાંથી પણ રૂ. 2.81 કરોડનો માલ લઇને રૂ. 87.37 લાખ ચૂકવ્યા ન હતા. આમ, આ ધંધાકીય વ્યવહારમાં રૂ. 6.68 કરોડ ન ચૂકવીને આરોપીઓએ વેપારી સાથે ઠગાઇ કરી હતી.

વેપારી મનિષભાઇ જ્યારે આ પેમેન્ટની માગણી કરતા ત્યારે આરોપી ચિતરાંગે તેની ગોતાની મિલકત પર લોન લઇને પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. આ મિલકત બાબતે મનિષભાઇએ તપાસ કરતા આરોપીઓએ સરકારની વેબસાઇટ પરથી ખોટી અને બનાવટી પહોંચ બતાવી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપીએ રૂ. 6.68 કરોડમાંથી 16 લાખ ચૂકવીને રૂ. 6.52 કરોડની ઠગાઇ આચરતા માધવપુરા પોલીસે ઠગ દંપતી ચિતરાંગ શાહ, પત્ની કૃપાલી (બંને રહે. શેત્રુંજય સોસાયટી, પાલડી) અને પીલક શાહ (રહે. માણેકબાગ સોસાયટી) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.