આદેશ@ગુજરાત: વરસાદને કારણે થયેલાં નુકસાનનો સર્વે કરાશે, કઇ તારીખ પછી આવશે રિપોર્ટ? જાણો વિગતે

 
નુકશાન

17 મે પછી નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. અમરેલી જિલ્લા સહિત અનેક જગ્યાએ ગઈકાલ લાઠી, બગસરા અને સાવરકુંડલામાં માવઠાથી તલ, જુવાર, બાજરી અને ઉનાળું મગને મોટાપાયે નુકસાન થયું છે. ખેડૂતોની એક જ માગ છે કે સરકાર નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. માવઠાની આગાહીને લઇને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઇ હોવાની માહિતી પણ તેમણે આપી. 17 મે પછી નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતા છે.

મુખ્યમંત્રીએ ગઈકાલના રોજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. કૃષિમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ઉદભવેલી સ્થિતિ અંગે સરકાર ચિંતિત છે. કૃષિ મંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના આપી દીધી છે. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરાઇ છે. ખેડૂતોને ખેતીપાકોને ઢાંકીને રાખવા કૃષિ વિભાગે સૂચના આપી હતી.જૂનાગઢના વંથલીમાં ગઈકાલે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને નુકસાન થયું છે. ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં કેરીનો પાક ખરી પડતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે.

ઓછા ઉત્પાદન વચ્ચે માવઠું થતાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો નુકસાની બદલ સહાય ચૂકવવા માગ કરી છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાએ મુશ્કેલી સર્જી છે. સુરતના ઓલપાડમાં માવઠાના લીધે તલ, મગ અને કેરી સહિતના ઉનાળું પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરીને વળતર આપવા માગ કરી છે. ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં કાપણી કરેલો ડાંગર પલળી ગયો છે. ડાંગરની કાપણી કરીને મુકી હતી ત્યાં આકાશી આફત વરસી અને ખેડૂતોની મહેનત પણ પાણી ફરી વળ્યું.