આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર પાલિકામાં થતાં કામોમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ હોવાના સવાલો ઉભા થયા છે. રૂ.98 લાખના કામમાં સ્થાનિક ઇસમે કોન્ટ્રાક્ટર જોડે એક ટકો કમિશન નક્કી કર્યુ હોવાનો ઓડીયો વાયરલ થયો છે. જેમાં કોન્ટ્રાક્ટરે ટકાવારી મુજબ રકમ નહી આપતા જશુ ઠક્કર નામનો ઇસમ સામેવાળા ભાઇ સાથે નારાજગી બતાવી રહ્યો હોવાનું સંભળાય છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ પાલિકાને દલાલો ચલાવી રહ્યા હોવાની આશંકા બની છે.

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકામાં ફરી એકવાર વિવાદિત ઓડીયો ક્લીપ વાયરલ થઇ છે. પાલિકાના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર આચરી કથિત દલાલો ટકાવારી લઇ રહ્યા હોવાનો ઓડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ઓડીયોના શબ્દો મુજબ સ્થાનિક ઇસમ જશુ ઠક્કરે પાલિકાના રૂ.98 લાખના કામમાં એક ટકો કમિશન નક્કી કર્યુ હતુ. જેમાં કોન્ટ્રાક્ટરે રૂ.25,000 આપી બાકીની રકમ નહી આપતા કથિત દલાલ લાલઘુમ બન્યો છે.

શ્યામ નામના કોન્ટ્રાક્ટરનું નામ લઇ પોતાને કમિશન મુજબ પુરતી રકમ નહી આપી હોવાનું સ્થાનિક ઇસમને જણાવી રહ્યો છે. આ સાથે જો એક ટકો કમિશન નક્કી ન કર્યુ હોય તો અગાઉ મળેલ રૂ. 25,000 પરત આપી દેવાનો પડકાર ફેંક્યો છે. ઓડીયોના શબ્દોને પગલે પાલિકામાં દલાલી થાય છે કે કરાવવામાં આવી રહી છે તેવા ગંભીર સવાલો ઉભા થયા છે.

ચીફ ઓફીસર સામે ભ્રષ્ટાચારની આશંકા

રાધનપુર પાલિકાના કામોમાં ભ્રષ્ટાચારની દલાલીવાળો ઓડીયો વાયરલ થતા ચીફ ઓફીસર શંકાના દાયરામાં આવ્યા છે. ચીફ ઓફીસર આવા દલાલો મારફત કટકી કરી રહ્યા છે કે સમગ્ર મામલે અજાણ છે ? જો અજાણ હોય તો અત્યાર સુધી થયેલા કામોમાં કટકી કોણે કરી ? આવા તમામ સવાલોને પગલે પાલિકાના ચીફ ઓફીસર સામે પણ ભ્રષ્ટાચારની આશંકા ઉભી થઇ છે.

ઓડીયોમાં કોન્ટ્રાક્ટરને આંતરીક વિખવાદ કરાવતો બતાવ્યો

એક ટકો કમિશન નક્કી કર્યા બાદ પુરતી રકમ નહી આપતા જશુ ઠક્કર નામનો ઇસમ કોન્ટ્રાક્ટર ઉપર આગબબુલા થઇ ગયો છે. જેમાં કોન્ટ્રાક્ટરને નગરસેવકો વચ્ચે ઝઘડા કરાવી પોતાનું કામ કઢાવી લેતો હોવાનો ગણાવ્યો છે. શ્યામ નામના કોન્ટ્રાક્ટરને અન્ય પાલિકાઓમાં પણ મોટા કામો મળતા હોવાનો ઉલ્લેખ કરી હારીજમાં બદનામ હોવાનું ઓડીયોમાં સંભળાય છે.

દલાલો ટેન્ડર અપાવી રહ્યા છે ? 

રાધનપુર પાલિકાના ઓડીયો બાદ ટેન્ડરોમાં મોટાપાયે દલાલી થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઓડીયોમાં દલાલ જશુ ઠક્કર સ્પષ્ટ કહે છેે કે, રૂ.98 લાખનું ટેન્ડર અપાવવા એક ટકો કમિશન નક્કી કરવામાં આવ્યુ હતુુ. જેનાથી પાલિકામાં ટેન્ડરો સેટિંગ કરીને ગોઠવવામાં આવતા હોવાની શંકા બની છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code