ષડયંત્ર@સીંગવડ: મનરેગા કૌભાંડ છૂપાવવા ટોળકીનો આતંક, ફરીયાદીનું લીધું લખાણ, ભાંડો ફૂટ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગાના કૌભાંડને રફેદફે કરવા/કરાવવા ટોળકીએ જોર લગાવ્યું છે. ટીડીઓ અને એપીઓ ઈરાદાપૂર્વક કૌભાંડ સામે કાર્યવાહી કરવા સમય નથી કાઢતા ત્યારે સંગઠિત ટોળકીએ મેળાપીપણામાં ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીને ગેરમાર્ગે દોરી ખેતરમાં 3 ચેકડેમ નહિ હોવા છતાં સરકારને નુકસાન કરાવવા સોગંદનામું લખાવ્યું છે. આ સોગંદનામું ષડયંત્રથી લખાવ્યું હોવાનું ફરીયાદીના વીડિયોથી ઉઘાડું પડ્યું છે. ખુદ ફરીયાદી કહે છે કે, લખાણ વિશે ખબર નથી, અભણ છે, પૈસાની લાલચ આપી અને કોઈ પૈસા આપ્યા નથી. વાંચો નીચેના ફકરામાં કેવીરીતે એક કૌભાંડ છૂપાવવા કર્યું બીજું કૌભાંડનો પર્દાફાશ.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતના ચાચકપુર ગામના સરદારભાઇ તડવીના પરિવારના 2 ખેતરમાં કુલ 3 ચેકડેમ નથી. છતાં કાગળ ઉપર ચેકડેમ બનાવી ખર્ચો પાડી મટીરીયલ એજન્સી અને સીંગવડ તાલુકા મનરેગાની ટીમે સરકારમાંથી ગ્રાન્ટ લઈ લીધી છે. હવે આ રજૂઆત/ફરિયાદ ટીડીઓ અને એપીઓને મૌખિક અથવા લેખિતમાં ધ્યાને આવી છતાં ઈરાદાપૂર્વક સમયમર્યાદામાં તપાસ કરી નથી. મનરેગા કાયદાની જોગવાઇ મુજબ દીન 15 માં તપાસ પૂર્ણ કરી કાર્યવાહીનો નિર્ણય લેવાનો હોય છતાં કૌભાંડીઓને અવસર આપ્યો છે. હવે આ કૌભાંડનો ઘટસ્ફોટ અટલ સમાચાર ડોટ કોમ દ્વારા બહાર આવતાં સંગઠિત ટોળકીએ તપાસને રફેદફે કરવા/કરાવવા સૌથી મોટું ષડયંત્ર રચ્યું પરંતુ ઉઘાડું પડી ગયું છે. મુખ્ય ફરિયાદી સરદારભાઇ તડવીનું એક સોગંદનામું આવ્યું છે જેમાં સદર સર્વે નંબરમાં મનરેગા હેઠળના ચેકડેમની તપાસ નહિ કરવા અને પોતાની કોઇ ફરિયાદ નથી તેવું લખ્યું છે. જોકે આ સોગંદનામું ગેરમાર્ગે દોરી, અંધારામાં રાખી લખ્યું/લખાવ્યું હોવાનું ખુદ ફરિયાદીએ વિડિયોમાં જણાવતાં ખળભળાટ મચી ગયો છે.
વાયરલ થયેલ એક વિડીયોમાં સોગંદનામું હાથમ લઈને ખુદ સરદારભાઇ તડવી જણાવે છે કે, સોગંદનામાના લખાણ વિશે કોઈ માહિતી નથી, કેમ કે લખતાં કે વાંચતા આવડતું નથી. પૈસાની મોટી લાલચ આપી ચાર પાંચ જણાએ ભેગા મળીને લખાણ ઉપર સહી કરાવી દીધી છે અને લાલચ વાળા કોઈ પૈસા આપેલ નથી. હવે આ વિડીયોથી સ્પષ્ટ થશે કે, ટીડીઓ મેહુલ ભાભોર અને એપીઓ કલ્પનાબેન તપાસને તાત્કાલિક અસરથી સરકારના હિતમાં તપાસ પૂર્ણ કરે. જો ટીડીઓ અને એપીઓ આ સોગંદનામા આધારે પણ તપાસ નહિ કરે અથવા ફાઇલે કરે તો પણ ગેરકાયદેસર ગણાશે, કેમ કે સ્થળ ઉપર ચેકડેમ હયાત છે કે નહિ તે સોગંદનામા આધારે નક્કી થાય નહિ. જો ટીડીઓ મેહુલ ભાભોર અને મનરેગા એપીઓ કલ્પનાબેન કૌભાંડ ચલાવી લેવા માંગતા નથી તો કેમ તાત્કાલિક સર્વે નંબરવાળી જમીનમાં તપાસ માટે જતાં નથી? આથી આવતીકાલે ટીડીઓ અને એપીઓ કેટલા પાણીમાં છે તેનો સૌથી મોટો ખુલાસો કરીશું.