વિવાદ@ગાંધીનગર: મહાનગરપાલિકાની 27 મંદિરોને દૂર કરવાની નોટિસથી વિશ્વ હિન્દુ પરિષદમાં ભારે રોષ

માંગ સ્વીકારવામાં નહીં આવે તો બજરંગદળની આંદોલનની ચીમકી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરમાં આવેલા વિવિધ 27 મંદિરોને દૂર કરવાની નોટિસ આપી છે. આ નોટિસને લઈને વિવાદ સર્જાયો છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. VHPના પ્રમુખે જણાવ્યું છે કે, મંદિર દૂર કરવાની કાર્યવાહી થશે તો સંગઠન અને બજરંગદળ દ્વારા આંદોલન કરવામાં આવશે.27 જેટલાં મંદિરોને દૂર કરવાની નોટિસ આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે, જે આંદોલનમાં પરિણમી શકે છે. VHPના પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી સોમવારે તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીની હાજરીમાં એક બેઠક બોલાવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરો દૂર કરવાની નોટિસ મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરાશે, જેમાં આ મંદિરોને કાયમી માટે સ્વતંત્ર અને કેટલાક અડચણરૂપ અન્ય જગ્યાએ સ્થાળાંતર કરવા માટે જમીનની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે.ગાંધીનગરમાં અગાઉ 22 મંદિરો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે હવે ફરી 27 મંદિરોને દૂર કરવાને લઈને મ.ન.પા. દ્વારા નોટિસ આપવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે VHPના પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો બજરંગદળ દ્વારા આંદોલન કરવામાં આવશે.