વિવાદ@ગુજરાત: ભરૂચ જિલ્લાના 385 તલાટીઓએ મહેસૂલી કામગીરી બંધ કરી, જાણો કારણ

 
વિવાદ
સરકાર સમક્ષ તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવા અપીલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચ જિલ્લાના 385 તલાટી-કમ-મંત્રીઓએ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહ્વાન બાદ 3 જુલાઈથી આ નિર્ણયનો અમલ શરૂ થયો છે. ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાનના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની જવાબદારીઓ સતત સોંપવામાં આવે છે.

સ્પષ્ટ જોબચાર્ટના અભાવે કામનો બોજ વધી રહ્યો છે, જેના કારણે પંચાયતની મૂળભૂત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. મેકવાને વધુમાં જણાવ્યું કે, વર્ષ 2022માં તલાટીઓની હડતાળ બાદ તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ કરવા રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી હતી. લાંબા સમય વીતી ગયા છતાં સમિતિના નિર્ણયોનો અમલ થયો નથી.

તાજેતરમાં મહેસૂલી તલાટીની ભરતી પૂર્ણ થઈ હોવા છતાં, બંનેની કામગીરીની સ્પષ્ટ વહેંચણી હજુ સુધી જાહેર કરાઈ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા સ્તરે તમામ તલાટી-કમ-મંત્રીઓને આ આદેશનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આ આંદોલનના ભાગરૂપે, ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાઓના તલાટી-કમ-મંત્રીઓએ મામલતદારોને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.