વિવાદ@પાટણ: ચીફ ઓફિસરે MLA કિરીટ પટેલ સામે બદનક્ષીનો દાવો દાખલ કરતા ખળભળાટ

 
રાજકારણ
ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના MLA કિરીટ પટેલ સામે કોર્ટમાં બદનક્ષી નો દાવો દાખલ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ આખો વિવાદ પાટણના નવા બસ સ્ટેશનના બીયુ પરમિશન મુદ્દે શરૂ થયો છે, જેણે હવે કાયદાકીય લડાઈનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.ધારાસભ્ય કિરીટ પટેલે તાજેતરમાં યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પાટણ બસ સ્ટેશનની બીયુ પરમિશન આપવાના મામલે નગરપાલિકા તંત્ર અને ખાસ કરીને ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

આ ઉપરાંત તેમણે શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ થતા પાર્કિંગ અને કથળતી ટ્રાફિક સમસ્યાનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. ધારાસભ્યના આ આકરા પ્રહારો અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે પાલિકા પ્રશાસનની છબી ખરડાઈ હોવાનું ચીફ ઓફિસરનું માનવું છે. પોતાની જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરીને ચીફ ઓફિસરે આખરે કાયદાનો આશરો લીધો છે અને ધારાસભ્ય સામે માનહાનિની અરજી કોર્ટમાં સબમિટ કરી છે. સરકારી અધિકારી અને ધારાસભ્ય વચ્ચેની આ સીધી લડાઈએ પાટણ શહેર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણને ગરમ કરી દીધું છે. હવે આ મામલે સૌની નજર કોર્ટની આગામી કાયદાકીય કાર્યવાહી પર ટકેલી છે.