રસોઈ@ગુજરાત: ઉપવાસમાં બનાવો ફરાળી સાબુદાણા ઢોસા, એવી સરળ રીત કે, વારંવાર બનાવતાં રહેશો

આ ઢોસાને ફરાળી ઢોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
રસોઈ@ગુજરાત: ઉપવાસમાં બનાવો ફરાળી સાબુદાણા ઢોસા, એવી સરળ રીત કે, વારંવાર બનાવતાં રહેશો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિંદુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે.શ્રાવણ માસ એ  ભગવાન શિવનો મહિનો છે.આ માસમાં લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે પૂજા,પાઠ,આરાધના,જાપ,તપ વગેરે કરે છે.શ્રાવણ માસમાં લોકો ઉપવાસ રાખે છે.આજના આ લેખમાં અમે તમારા માટે એક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જેને તમે શ્રાવણના ઉપવાસમાં ખાઈ શકો છો. અમે જે રેસિપી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સાબુદાણા ઢોસા. સાબુદાણા ઢોસા એક એવી વાનગી છે જેનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર ભૂખ પણ લાગતી નથી.આ સાથે જ તેમાં કાર્બોહાઇડ્રેટ પણ ભરપૂર માત્રામાં હોય છે અને ખાધા પછી તમને એનર્જી પણ મળે છે. તેથી તેને ઉપવાસ માટે બેસ્ટ માનવામાં આવે છે, આ ઢોસાને ફરાળી ઢોસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઢોસાને નાળિયેરની ચટણી સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે જાણીએ સાબુદાણા ઢોસાની રેસિપી વિશે..

સાબુદાણા ઢોસા બનાવવા માટેની સામગ્રી
સાબુદાણા - 150 ગ્રામ
મગફળી - 1 વાટકી
પનીર - 50 ગ્રામ
આદુનો ટુકડો - 1 ઇંચ
લીલા મરચા - 3-4
કોથમીર - 2-3 ચમચી
લાલ મરચું પાવડર - 1 ચમચી
કાળા મરી પાવડર - 1/2 ચમચી
તેલ - 3-4 ચમચી
સિંધવ મીઠું - સ્વાદ મુજબ

સાબુદાણા ઢોસા બનાવવાની રીત
ફરાળી સાબુદાણા ઢોસા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને સાફ કરીને 2-3 કલાક માટે પાણીમાં પલાળી રાખી દો. એક બાઉલ લો અને તેમાં પનીરને છીણી લો. આ પછી પનીરમાં કાળા મરીનો પાઉડર અને થોડું સિંધવ મીઠું ઉમેરીને મિક્સ કરો અને પછી તેને અલગ રાખી દો. હવે એક કડાઈમાં મગફળીના દાણા નાખીને તેને ધીમી આંચ પર થોડા શેકી લો.

આ પછી મિક્સર જારમાં શેકેલા મગફળીના દાણા, આદુ, લીલા મરચાં અને કોથમીર નાખીને પીસી લો. હવે એક મોટું બાઉલ લો અને તેમાં પલાળેલા સાબુદાણા અને મગફળી-આદુની પેસ્ટ નાખીને, તેને સારી રીતે મિક્સ કરો અને બેટર તૈયાર કરી લો. બેટરમાં જરૂર મુજબ પાણી ઉમેરી શકાય છે.

હવે એક નોનસ્ટીક તવાને મીડિયમ આંચ પર ગરમ કરવા રાખી દો. જ્યારે તવો ગરમ થઈ જાય ત્યારે તેના પર થોડું તેલ લગાવીને ફેલાવી લો. આ પછી એક બાઉલમાં સાબુદાણાનું બેટર લઈને તેને તવાની મધ્યમાં નાખીને ફેલાવો. થોડીવાર સુધી ઢોસાને શેકો અને પછી તેને પલટીને શેકો.

જ્યારે ઢોસા ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેની વચ્ચે પનીરનું સ્ટફિંગ ફેલાવો અને ઢોસાને બંધ કરીને પ્લેટમાં કાઢી લો. એ જ રીતે બધા સાબુદાણા ઢોસા તૈયાર કરી લો. તેને નાળિયેરની ચટણીની સાથે સર્વ કરી શકાય છે.