કોરોના@ઊંઝા: દૈનિક 100 કરોડનો વેપાર ઠપ્પ, ખેડૂતો જીરૂંનો સંગ્રહ કરશે

અટલ સમાચાર, મહેસાણા
કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આથી આજથી શરૂ થતો કારોબાર ઊંઝા ગંજબજારમાં અટકી ગયો છે. જીરૂં સહિતના મસાલાના ખરીદ વેચાણની સિઝન છતાં દૈનિક 100 કરોડથી વધુનો કારોબાર આગામી 14 એપ્રિલ સુધી ઠપ્પ રહેશે. આથી ખેડૂતોને કૃષિ પાકનો સંગ્રહ કરવાની પરિસ્થિતિ બની છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જિલ્લાના ઊંઝા ગંજબજારમાં દર વર્ષે 2જી એપ્રિલે નવા નાણાંકીય વર્ષનો કારોબાર શરૂ થાય છે. જોકે આ વખતે કોરોના વાયરસનો હાહાકાર હોવાથી લોકડાઉન થઈ ગયું છે. આથી આજથી શરૂ થતો મરીમસાલાનો વેપાર આગામી 14 એપ્રિલ સુધી બંધ રહેશે. જેના કારણે ઊંઝામાં દૈનિક ધોરણે સરેરાશ 100 કરોડનો વેપાર થતો સ્થગિત થયો છે. ગંજબજારમાં વેપારને કારણે સમિતિને રોજની સરેરાશ 10 લાખની આવક પણ અધ્ધરતાલ બની ગઇ છે. આવી સ્થિતિમાં જીરું સહિતના મરીમસાલા વેચવા માટે આવતાં ખેડૂતોને માલનો સંગ્રહ કરવો પડે તેવી નોબત આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કારોબાર બંધ રહેવાને કારણે ગંજબજારને કોઈ નુકસાન નથી. જોકે ખરીદ વેચાણ બંધ રહેવાને કારણે વર્ષની શરૂઆતમાં જ 12 દિવસ સુધી વેપારને બ્રેક લાગી છે. આગામી 14 એપ્રિલ પછી લોકડાઉન આગળ નહિ વધે તેવી આશા વચ્ચે વેપારીઓ અને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. સૌથી મોટી વાત છે કે, અત્યારે જીરૂં વેચાણનો ટોપ સમય હોવાથી વિલંબમાં મુકાયું છે.