ભ્રષ્ટાચાર@આણંદ: બોરસદ તાલુકાની અલારસા દૂધ મંડળીમાં રૂપિયા 20 લાખનું કૌભાંડ, જાણો વિગતે
બોરસદ APMC ચેરમેન સહિત 10 વિરુદ્ધ કોર્ટની નોટિસ
અટલ સમાચાર ડોટ કમ, ડેસ્ક
સહકારી મંડળીઓમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોરસદ તાલુકાની અલારસા દૂધ મંડળીમાં રૂપિયા 20 લાખની મોટી ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ વિવાદમાં બોરસદ APMCના વર્તમાન ચેરમેન અને મંડળીના તત્કાલીન ચેરમેન અશોક મહીડા મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું છે.આક્ષેપ મુજબ, તત્કાલીન ચેરમેન અશોક મહીડાએ દૂધ મંડળીનું નવું મકાન બનાવવાના બહાને કોઈ પણ પ્રકારનું કામ શરૂ કર્યા વગર જ કોન્ટ્રાક્ટરને ₹20 લાખની ચુકવણી કરી દીધી હતી. સહકારી કાયદાની કલમ 96 હેઠળ આ ગેરરીતિ બદલ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં દાવો માંડવામાં આવ્યો છે.
જ્યારે આ સમગ્ર મામલો ઉજાગર થયો અને વિરોધ શરૂ થયો, ત્યારે ભીનું સંકેલવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી ₹8 લાખ પરત મેળવી લેવામાં આવ્યા હતા. હજુ પણ મંડળીના ₹12 લાખ વસૂલવાના બાકી છે. અશોક મહીડા અગાઉ પણ ચેક રિટર્ન કેસમાં વિવાદોમાં રહી ચૂક્યા છે, ત્યારે આ નવા કૌભાંડે સહકારી આલમમાં ચર્ચા જગાવી છે.આ ગંભીર આક્ષેપોને ધ્યાને લઈ કોર્ટે તત્કાલીન ચેરમેન સહિત કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ નોટિસ જારી કરી છે. તમામ પક્ષકારોને આગામી 19 માર્ચના રોજ કોર્ટ સમક્ષ હાજર થઈ પોતાનો પક્ષ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

