ભ્રષ્ટાચાર@ભાવનગર: લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવો RCC રોડ તોડી પડાયો, પાલિકાએ ટેક્સના નાણાં વેડફ્યા
સ્થાનિકોમાં ભારે રોષ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ નવો રોડ ટૂંક સમયમાં જ તૂટી પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ટેસ્ટિંગ સેમ્પલ ફેલ થવાના કારણે પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને રોડનો એક ભાગ તોડી નાખ્યો છે. લોકોના જણાવ્યા મુજબ, રોડનું નિર્માણ ગુણવત્તા વગર અને નિયમોનું પાલન કર્યા વગર કરવામાં આવ્યું હતું. પરિણામે થોડા જ દિવસોમાં રોડ ખરાબ હાલતમાં પહોંચી ગયો હતો. પાલિકા દ્વારા અડધો રોડ તોડી પાડવામાં આવ્યો હોવા છતાં આખો રોડ કેમ ન તોડવામાં આવ્યો તે અંગે પણ સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે.
લોકોનો આરોપ છે કે ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સરકારી નાણાંનો વ્યર્થ ખર્ચ થયો છે.આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખાસ કરીને રત્નકલાકારો અને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે અવરજવર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. રોડ ખરાબ થતાં ટ્રાફિક અને અકસ્માતની શક્યતાઓ પણ વધી ગઈ છે. સ્થાનિક ડાયમંડ એસોસિયેશન દ્વારા આ મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જો યોગ્ય ગુણવત્તા નિયંત્રણ કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ ઊભી ન થાત.પાલિકા તંત્ર તરફથી જણાવાયું છે કે રોડના કામમાં ખામી સામે આવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.

