કટકી@ઝગડીયા: આ ગામના તલાટી અને ટીડીઓની ભ્રષ્ટાચારમાં દાદાગીરી, ટેન્ડર હેઠળ કૌભાંડમાં રચ્યાપચ્યા

 
Kaubhand
ત્રીજું એક ટેન્ડર ઈએમડી રકમના આધારે અતિહદ ચોંકાવનારૂ અને ગંભીર સવાલો ઉભા કરે તેવું છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝઘડિયા તાલુકામાં ભ્રષ્ટાચારે તેનું સ્વરૂપ બદલ્યું અને ભ્રષ્ટાચારના આકાઓએ રીતસર કૌભાંડની ઘોર ખોદી નાખી છે. દાદાગીરીથી ભ્રષ્ટાચાર કરવાનો અને સાબિત થાય તેવો કરવાનો છતાં મુખ્યમંત્રી સાહેબનો જાણે કોઈ ડર નથી. ઝઘડિયા તાલુકાના એક ગામમાં તલાટીએ મનસ્વી રીતે ટેન્ડર કર્યા અને મનસ્વી રીતે વેપારી પાર્ટીને વર્ક ઓર્ડર આપી કૌભાંડની લીલા રચી છે. તદ્દન બનાવટી ભાવ ઓફર, દેખાડો કરવા પૂરતી ભાવ સ્પર્ધા અને એકાદ ટેન્ડરમા ઈરાદાપૂર્વક ઈએમડી નહિ રાખવાની તલાટીએ હિંમત કરી કે પછી ટીડીઓ જોડીદાર બન્યા તેની તાત્કાલિક અસરથી તપાસ ખૂબ જરૂરી છે. તલાટીના નામે ખરીદી અને તલાટીને સત્તા એટલે શું ટીડીઓને કંઈ ખબર નથી એમ ? ના, ના ઝઘડીયા ટીડીઓ સંપૂર્ણ ટેન્ડરો વિશે અવગત છે પરંતુ કોઈ કારણસર સરકારના નાણાંકીય હિતમાં પ્રો એક્ટિવ બનતા નથી તેનો ઘટસ્ફોટ વાંચો નીચેના ફકરામાં


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગ્રામ પંચાયતના તલાટીએ ગત જૂન 2026 માં લાઈટિંગ પોલનુ રૂ. 46 લાખનું ટેન્ડર કર્યું હતુ. બાયર એટલે કે ખરીદનાર તરીકે દધેડા તલાટી યોગેશ દેગડવાલા છે ત્યારે આ 46 લાખના ટેન્ડરમા એજન્સીઓ વચ્ચે સેટિંગ્સ, બોગસ ભાવ હરિફાઈ થઈ છતાં તલાટી યોગેશ દેગડવાલાએ રૂ. 46 લાખનો વર્ક ઓર્ડર કાઢી દીધો હતો. આ પછી ફરી એક દધેડા તલાટીએ ઓક્ટોબર 2026 દરમ્યાન ઈએમડી રકમ ભરવાની છૂટ આપતું લાઈટિંગ પોલનું ટેન્ડર કર્યું અને તેમાં પણ એજન્સીઓની મિલીભગત વચ્ચે રૂ. 59,86,500નો વર્ક ઓર્ડર આપ્યો છે. આ સાથે ત્રીજું એક ટેન્ડર ઈએમડી રકમના આધારે અતિહદ ચોંકાવનારૂ અને ગંભીર સવાલો ઉભા કરે તેવું છે. આર.ઓ પ્લાન્ટનુ ટેન્ડર છે અને તેની ઈએમડી રૂ. 40,000 છે ત્યારે ત્રણ ટકાના હિસાબે ટેન્ડર વેલ્યુ રૂ. 13,33,333 થાય પરંતુ તલાટી યોગેશ દેગડવાલાએ વર્ક ઓર્ડર રૂ. 19,84,000 નો આપ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બાબતે દધેડા ગ્રામ પંચાયતના તલાટી યોગેશ દેગડવાલાને વારંવાર ધ્યાને દોરતા સતત એક જ વાત જણાવે છે કે, રૂબરૂ આવીને મળી જાઓ. ત્રણેય ટેન્ડરમા ઈરાદાપૂર્વકનો ભયંકર ભ્રષ્ટાચાર હોવા છતાં અટકાવવાને બદલે કૌભાંડને મોકળું મેદાન આપ્યું છે. આટલુ જ નહિ, દધેડા ગ્રામ પંચાયતના તલાટીના નામે થયેલ ખરીદીના ત્રણેય ટેન્ડર વિશે ઝઘડિયા ટીડીઓ અવગત હોવા છતાં ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરી સરકારના નાણાંકીય હિતને અવગણી કરી રહ્યા ત્યારે સવાલ થાય કે, ટીડીઓ અને એજન્સીઓ વચ્ચે મિલીભગત હશે? જો મિલીભગત હોય તો તલાટીને વચ્ચે રાખી અથવા તલાટીના નામે કૌભાંડને અંજામ આપી ટકાવારીનો ખેલ કરી રહ્યા છે? આથી આગામી ન્યૂઝ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરી વધુ વિગતો જાણીએ.