ભ્રષ્ટાચાર@કેસીજી: 4.24 કરોડના આર.ઓ વોટર અને કુલરની ખરીદીમાં ભયંકર સેટિંગ્સ, બાયર-સેલરની મોડ્સ ઓપરેન્ડી

 
Bhrstachar
દોડધામના ભાગરૂપે જે થયું તે ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ સચોટ રીતે ઉભરી આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


જેનું નામ જ જ્ઞાનનો સાગર સમાન છે તેવી ગુજરાત સરકારની સંસ્થાને ટેન્ડરના વેપારી છેતરી ગયા અથવા જાણી જોઈને છેતરાઇ ગયા તેવી સ્થિતિની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમદાવાદ ખાતે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતે સરેરાશ સવા ચાર કરોડનુ ટેન્ડર કર્યું અને પછી જે પ્રક્રિયા થઈ તેમાં બનાવટી સ્પર્ધા, ટેન્ડર આપવા-લેવાનુ પૂર્વ આયોજિત સેટિંગ્સનો ઘટસ્ફોટ થયો છે. રિવર્સ ઓક્શન દરમ્યાન 2 એજન્સી વચ્ચે તદ્દન બનાવટી/ફેક સ્પર્ધા થઇ છતાં ખરીદનાર એવા કેસીજીના અધિકારીઓને ધ્યાને નથી આવ્યું, આટલુ જ નહિ કાગળો ઉપર સાબિત થઈ જાય તેવા મજબૂત પુરાવા છતાં આંખ આડા કાન કરી જોઈન્ટ સી.ઈ.ઓ સહિતનાએ પૂર્વ આયોજિત રિંગની ભાગીદારીવાળી એજન્સીને મદદગારી કરી હતી. જાણીએ સમગ્ર અહેવાલ.


શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર હેઠળ આવતી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓએ ગત એપ્રિલ-મે 2026 દરમ્યાન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદી કરવા GEM/2026/B/7191500 બીડ કર્યું હતુ. આ બીડ ઓનલાઇન આવતાં પહેલાં કઈ કઈ એજન્સી ટેકનિકલ ક્વોલિફાઇ થશે તેની દોડધામ કરવામાં આવી હતી. આ દોડધામના ભાગરૂપે જે થયું તે ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ સચોટ રીતે ઉભરી આવ્યું છે. જ્યારે ટેન્ડર ઓનલાઇન આવ્યું ત્યારે કુલ 9 એજન્સીઓએ ભાગ લીધો પરંતુ ટેકનિકલ ચકાસણી બાદ માત્ર 2 એજન્સી ક્વોલિફાઇ થઈ હતી. હવે આ બંને એજન્સી વચ્ચે નામ માત્રની અને પૂર્વ આયોજિત રિંગવાળી બનાવટી ભાવ ઓફર/સ્પર્ધા થઇ હતી. કે.ડી સર્વિસ અને સનરિયાન ઈન્ટરનેશનલ પ્રા.લી વચ્ચે 4.24 કરોડના વેપારમાં માત્ર રુ. 44619 ની સ્પર્ધા થઇ હતી. આટલી નાજુક સ્પર્ધા એટલા માટે થઈ હતી કેમ કે, કે.ડી સર્વિસ નામની એજન્સીએ કુલર ખરીદવા અને ટેન્ડરમા ભાગ લેવા સનરિયાન ઈન્ટરનેશનલ પ્રા.લી સાથે ઓથોરાઇઝ લીધું હતુ‌. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ

સૂત્રોએ જણાવ્યું હતું કે, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતને આર.ઓ અને વોટર કુલરની ખરીદી કરવાની હતી ત્યારે સનરિયાનના જ કુલર આપવા કે.ડી સર્વિસ નામની એજન્સીએ ઓનલાઇન જ વિગતો આપી હતી. આટલુ જ નહિ, સનરિયાન ઈન્ટરનેશનલ પ્રા.લી ખુદ જણાવે છે કે, કે.ડી સર્વિસને અમે ઓથોરાઇઝ આપ્યું હતું કેમ કે અમારે કુલર તેમના મારફતે જ આપવાના હોય. વાત આટલી નથી, આ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારીઓ કંઈ આ સેટિંગ્સથી અજાણ પણ નથી, કેમ કે આર.ઓ અને વોટર કુલરની દુનિયામાં ખૂબ અનુભવ ધરાવતી અને જેમનું કામ જ આ ક્ષેત્રમાં છે તેવી એજન્સીઓ પણ કોઈને કોઈ કારણથી ડિસક્વોલિફાઈ થઈ હતી. 


નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના અધિકારી પ્રવિણ પટેલ જણાવે છે કે, એજન્સીઓ વચ્ચે રિંગ થયાના પુરાવા આપો પરંતુ એજન્સીઓએ આપેલ ઓનલાઇન અને ઓફલાઇન વિગતો આધારે ખાત્રી કરવાના આધાર મળતાં હોવા છતાં ચૂપ કેમ તે સૌથી મોટો સવાલ છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં કેવીરીતે અને કોણે સવા કરોડ અને બીજા વધુ વર્ક ઓર્ડર એક જ ટેન્ડરથી આપ્યા અને લીધા તેની વિગતો જાણવા પ્રયાસ કરીશુ.