ભ્રષ્ટાચાર@મહેસાણા: લાયસન્સી સર્વેયરને 70,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યો
આરોપીએ 1.90 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણાની ડી.આઈ.એલ.આર. (DILR) કચેરીમાં ફરજ બજાવતા 27 વર્ષીય લાયસન્સી સર્વેયર આશિષ કુમાર ભીખાભાઇ પરમારને 70,000ની લાંચ લેતા ગાંધીનગર એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો છે. જમીન માપણીની શીટ સબમિટ કરવાના અવેજ પેટે આરોપીએ 1.90 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.એક જાગૃત નાગરિકની મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સુરજ ગામે સર્વે નંબર 210વાળી જમીન આવેલી છે. આ જમીનની હિસ્સાદુરસ્તી એટલે કે જમીન માપણી કરાવવાની હોવાથી ફરિયાદીએ ડી.આઈ.એલ.આર કચેરી, મહેસાણા ખાતે સત્તાવાર અરજી કરી હતી.
આ અરજીના આધારે લાયસન્સી સર્વેયર આરોપી આશિષ કુમારે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. જમીનની માપણી કરી તેની શીટો સબમિટ કરી આપવાના કામ માટે આરોપીએ શરૂઆતમાં કુલ 1,90,000ની મસમોટી લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ, સોદાબાજીના અંતે આરોપીએ પ્રથમ હપ્તા પેટે 70,000 આપવા ફરિયાદીને જણાવ્યું હતું.ફરિયાદી પોતે આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે સીધો ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ લાંચની રકમ સ્વીકારવા માટે ફરિયાદીને મહેસાણા સેશન્સ કોર્ટના ગેટ નંબર-૪ પાસે આવેલા 'જય અંબે નાસ્તા હાઉસ' ખાતે બોલાવ્યો હતો. લાંચના છટકા દરમિયાન આરોપી આશિષ કુમારે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ફરિયાદી પાસેથી રૂા.70,000 સ્વીકાર્યા હતા. નાણાં સ્વીકારતાની સાથે જ પૂર્વતૈયારી સાથે ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી હતી.આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાથી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીએ આરોપીની અટકાયત કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

