ભ્રષ્ટાચાર@સુરત: આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ, હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ

 
આયુષ્યમાન કાર્ડ
રકમ ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

સુરત પાલિકા વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડ માં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ બહાર આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કાર્ડ રિન્યુ કરવાના હોય તેવા અરજદારો પાસે ચાર હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે અને રકમ ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે. આવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરી છે.

 

સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે. પણ આ યોજના હેઠળના કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. આ કાર્ડ રિન્યુ માટે અરજદારો આવે છે તેમની પાસેથી ચાર હજાર રૂપિયા જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને  ઝડપી એપ્રુવલ માટે જે અરજદારો નાણાં આપે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં એપ્રુવ થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તેની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.

 

સરકારી વિભાગના અમુક કર્મચારીઓ અને વચેટિયાઓ મિલીભગત વગર આ પ્રકારનું કામ શક્ય નથી. જે ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં આવો ભ્રષ્ટાચાર થતો હોય, તો ગંભીર બાબત છે. આનાથી સરકાર ની છબી ખરડાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે. જેના કારણે આ ભ્રષ્ટાચાર માં સામેલ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.