ક્રાઇમ@અમદાવાદ: એરપોર્ટ પર નોકરી કરતી મહિલાની હોટેલમાંથી મળી લાશ, હત્યાની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી 23 વર્ષની મહિલાનો મૃતદેહ હાસોલ ચોકી સામે આવેલી હોટેલમાંથી મળી આવ્યો હતો. મહિલાની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વઘુ તપાસ શરુ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલ મદની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી.
રવિવારે બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુરના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી. આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટેલ ઉપર પહોંચી ગયા હતા અને હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક મહિલાના ગળા ઉપર નિશાન મળી આવ્યા હતા જેને લઇને હત્યાની શંકા સેવાઇ રહી છે. પોલીસે હાલ તપાસ હાથ ઘરી છે.