ક્રાઇમ@અમદાવાદ: સાબરમતી નદીના પટમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

 
ઘટના
પુરાવા નાશ કરવાના ઈરાદે મૃતદેહને નદીના પટમાં લાવી સળગાવી દેવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સરખેજમાં આવેલા વણઝર ગામ નજીક સાબરમતી નદીના પટમાંથી એક વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. વણઝર ગામ નજીક નદીના પટમાં એક સળગેલો મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી.

સરખેજ પોલીસનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ અજાણ્યા શખસો દ્વારા અન્ય જગ્યાએ વ્યક્તિની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા અને પુરાવા નાશ કરવાના ઈરાદે મૃતદેહને નદીના પટમાં લાવી સળગાવી દેવામાં આવ્યો છે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને મૃતકની ઓળખ અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.