ક્રાઇમ@અમરેલી: અત્યંત ક્રૂર અને હચમચાવી દેનારી ઘટના, યુવક પર હુમલો કરી બંને પગ કાપી ધડથી અલગ કર્યા!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી જિલ્લાના અરજણસુખ ગામેથી એક અત્યંત ક્રૂર અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવક પર તેના જ કુટુંબીજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તમામ હદ પાર કરતા યુવક પર કુહાડી વડે હુમલો કરી તેના બંને પગ શરીરથી અલગ કરી દીધા હતા. ગોંડલનો રહેવાસી દીનેશ સોલંકી નામનો યુવક અરજણસુખ ગામે ભીખા રાઠોડના ઘરે કોઈ કામ અર્થે આવ્યો હતો. આ દરમિયાન તેના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં સાપર સુડાવડ ગામના બે સાળાઓ સહિત કુલ 12 જેટલા શખ્સો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોરોએ દીનેશ સોલંકી પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેના બંને પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયા હતા. પીડિત યુવકને ગંભીર અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ક્રૂરતા એટલી હદે હતી કે, યુવકના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા.
આ ગંભીર બનાવની જાણ થતાં જ ડીવાયએસપી ચીરાગ દેસાઈ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ જીવલેણ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં આ હુમલો કૌટુંબિક કારણોસર થયો હોવાનું મનાઈ રહ્યું છે.

