ક્રાઇમ@આણંદ: 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારી હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટર

 
ઘટના
બનાવથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભારે રોષ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદમાં 4 વર્ષની નાની દીકરી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરનાર નરાધમ આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આણંદના વાસદ પાસે અપહરણ કરીને બાળકી સાથે કુકર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી. રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જવાથી માસુમ બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી બાળકીને ઉઠાવી ગયો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બોયાસણ પાસેના પરા વિસ્તારમાંથી સુરેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસ સુરેશ પરમારને પોલીસ વાનમાં બેસાડીને વાસદ તરફ લાવવા માટે નીકળી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સુરેશ નશાની હાલતમાં હતો. કંટારિયા-આસોદર વચ્ચે તેણે વોમિટ કરવાનું બહાનું બતાવી પોલીસ વાનમાંથી નીચે ઉતર્યો હતો. ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ આરોપીએ પોલીસ ટીમ પર અચાનક ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બે પોલીસ જવાનો રાજવીરસિંહ અને મહિપાલસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસ પર હુમલો કરી હાથાપાઈ કર્યા બાદ આરોપીએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકવા માટે વોર્નિંગ આપી હતી, તેમ છતાં આરોપી નાસવા જતાં પોલીસે નાછૂટકે તેના પર ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં ઘવાયેલા આરોપી અને ઈજાગ્રસ્ત બંને પોલીસ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આરોપી સુરેશ પરમારનું મોત નિપજ્યું હતું.