ક્રાઇમ@આણંદ: ખડાણા ગામમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદના પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં રામદેવપીર ફળિયામાં 45 વર્ષીય બાબુભાઈ પરમારની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી છે. ખડાણા ગામમાં રામદેવપીર ફળિયામાં આ હત્યાનો બનાવ બન્યો છે જ્યાં મૃતકનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં ઓસરીમાંથી મળી આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે મૃતક બાબુભાઈ અશાભાઈ પરમાર ખડાણા ગામમાં તેમની માસી પાસે રહેતા હતા. તેમનું જીવન એકલવાયું હતું.
હત્યારાએ તેમની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. ગામમાં હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી ગઇ હતી અને લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. હથિયારના ઘા ઝીંકી કરવામાં આવેલી હત્યાની આ ઘટના અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ કરવામાં આવી છે અને તેમના પરિવારજનોની અને પાડોશીઓની પૂછપરછ કરાઇ રહી છે. હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ શરુ કરી છે.

