ક્રાઇમ@દેશ: બંગાળમાં એક્ઝિટ પોલના પરિણામો વચ્ચે ભાજપના કાર્યકરની ચાકુ મારીને હત્યા

 
ક્રાઇમ
પહેલા તેને ગોળી મારી અને પછી છરીના ઘા મારીને તેની નિર્દયતાથી હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સાતેય તબક્કા દરમિયાન હિંસા જોવા મળી હતી. જેના કારણે બંગાળની કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ ચૂંટણી હિંસાનો અંત નથી આવી રહ્યો. બંગાળના નદિયા જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં બીજેપી કાર્યકરની હત્યા કરવામાં આવી છે.

આ વિસ્તારમાં ઘાતકી હત્યાથી લોકો આઘાતમાં છે. હફિઝુર શેખ તરીકે ઓળખાતા ભાજપના કાર્યકર પર શનિવારે કેરમ રમતા સમયે હુમલો થયો હતો. હુમલાખોરોએ પહેલા તેને ગોળી મારી અને પછી છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી. ભાજપના કાર્યકર પર કોણે હુમલો કર્યો તે હજુ જાણવા મળ્યું નથી. બંગાળમાં આ પહેલીવાર નથી કે આવી ઘટના સામે આવી હોય. લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર બંગાળમાંથી આવા અહેવાલો સામે આવી રહ્યા છે, જેમાં અમુક રાજકીય પક્ષના કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ઘણી જગ્યાએ બોમ્બ ધડાકાની માહિતી પણ સામે આવી છે, જેના પર ભાજપે શાસક ટીએમસીને ઘેરી છે.