ક્રાઇમ@પાલનપુર: 10 જેટલા લોકોના ટોળાએ યુવક ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

 
ઘટના
મૃતકના પરિવારે હત્યારાના ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુર હાઇવે ઉપર આવેલી હોટલના પાર્લર નજીક ઊભેલા બે યુવકો ઉપર મોડી રાત્રે 10 જેટલા લોકોએ અચાનક હુમલો કરી આડેધડ માર મારી ઇજાઓ પહોંચાડતાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે બનેલા આ ચકચારી બનાવથી સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી જવા પામી હતી.આ હુમલામાં ભરત ચૌધરી (રહે. ગાદલવાડા)નું મોત થવા પામ્યું હતું. જ્યારે નીતિન ચૌધરી (રહે ગાદલવાડા) ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હત્યારાઓ હુમલો કરી થોડી વારમાં જ ભાગી ગયા હતા. જો કે, આ હુમલો પૈસાની લેતી દેતી બાબતે થયો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.

હુમલા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતક ભરત ચૌધરીની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોટી મોટી સંખ્યામાં લોકો સિવિલમાં ઉમટી પડ્યા હતા અને મૃતકના પરિવારે જ્યાં સુધી હત્યારાના ઝડપાય ત્યાં સુધી સિવિલમાંથી લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. પોલીસે 24 જેટલા શખ્સો સામે ગુનો નોંધીને આઠ જેટલી ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે તેમજ કેટલાક શખ્સોને રાઉન્ડઅપ કરતાં પરિવારે લાશ સ્વીકારી હતી.