ક્રાઇમ@સાબરકાંઠા: કારમાંથી બેંક મેનેજરનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક કારમાંથી બેન્ક મેનેજરનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રાત્રીના સમયે સ્થાનિકોને જોઇ જતાં હુમલાખોરો કાર મૂકીને ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે. આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે કે પછી અંગત અદાવત તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.લીમલા ગામ પાસે સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી મળી આવેલો મૃતદેહ ભરતભાઈ કાન્તીભાઈ ચૌધરી (ઉંમર 42 વર્ષ)નો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની હતા અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. બેન્ક મેનેજરના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે.
અજાણ્યા ઇસમો સ્વિફ્ટ કાર લઇને વડવાસાથી લીમલા માર્ગ તરફ આવ્યા હતા.રસ્તા પર ગ્રામજનોને જોઇ જતાં પકડાઇ જવાના ડરે હુમલાખોરો કાર અધવચ્ચે મુકીને ફરાર થઇ ગયા હતા. શંકાસ્પદ હાલતમાં ઉભેલી કાર જોઇને શંકા જતાં ગ્રામજનોએ તપાસ કરી હતી. જેમાં કારની પાછળની સીટમાં લોહીલુહાણ હાલતમાં બેન્ક મેનેજરનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

