ક્રાઇમ@સુરત: 16 વર્ષની સગીરાનો મૃતદેહ બાંધકામ સાઈટ પરથી મળી આવતા ચકચાર, કારણ અકબંધ

 
ઘટના
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભેસ્તાન વિસ્તારમાં ગુમ થયેલી 16 વર્ષની સગીરાનો મૃતદેહ એક બાંધકામ સાઈટ પરથી મળી આવ્યો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની ગુરૂવારે સાંજે તેની ફ્રેન્ડના ઘરે ગઈ હતી, તે પરત ન આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. અસ્વિતા ડામોર ગુરુવારે સાંજે 8 વાગ્યે તેની બેનપણીના ઘરે ગઇ હતી ત્યારબાદ પરત ન આવતા પરિવારજનોએ તેને ફોન કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી પરિવાર ચિંતિત બન્યો હતો અને તાત્કાલિક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કિશોરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સગીરા પાંડેસરા વિસ્તારમાં હતી. પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલી સપનોલોક બાંધકામ સાઇટ પર તપાસ કરી હતી. જ્યાંથી કિશોરીનો મૃતદેહ મૃત હાલતમાં મળી આવ્યો હતો.કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. સગીરાની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કિશોરીના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના પરથી મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટનાએ સુરતમાં સનસનાટી મચાવી છે.