ક્રાઇમ@સુરત: સાયબર બ્લેકમેલથી કંટાળી 20 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

 
ઘટના
બ્લેકમેલરે ધમકી આપતા લખ્યું હતું કે, "મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે."

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના પાલ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં રહેતી અને વેસુની કોલેજમાં B.Com બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની કાજલ યાદવે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાના દિવસે વતનમાં રહેતી માતાનો ફોન આવ્યો હતો, પરંતુ કાજલ ફોન ન ઉઠાવતા પરિવારજનો તેના રૂમમાં ગયા હતા. જ્યાં તેણે આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં કાનના પડદાના ઓપરેશનના ડરને કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.

મૃતકના કાકાએ પોલીસની આ થિયરીને નકારી કાઢીને ગંભીર આક્ષેપ કર્યો છે કે આ આપઘાત પાછળ કાનનો ડર નહીં, પરંતુ સાયબર બ્લેકમેલિંગ જવાબદાર છે. કોઈ અજાણ્યા શખ્સે કાજલનું ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવીને તેનો પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હતી. બ્લેકમેલરે મેસેજમાં ધમકી આપતા લખ્યું હતું કે, "મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે." આ ઉપરાંત, આરોપીએ તેનું ભણતર બગાડવાની અને તેના ભાઈનો નંબર પણ લીક કરવાની ધમકીઓ આપી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને યુવતીનો મોબાઈલ ફોન કબજે લીધો છે. પોલીસ હાલ મોબાઈલમાંથી મળેલી વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટના આધારે સાયબર એંગલથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.