ક્રાઇમ@સુરત: પ્લમ્બરની શંકાસ્પદ સંજોગોમાં હત્યા, બાથરૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

 
બનાવ
તીક્ષ્‍ણ કે ભારે વસ્તુ વડે માથા પર ઘા કરવામાં આવ્યા હોય તેવી શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. નાનપુરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય પ્લમ્બરની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતદેહના માથાના ભાગે ઇજાના ગંભીર નિશાનો મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મૃતક યુવકની ઓળખ રાજુભાઈ વજેસિંહ સંગાડા તરીકે થઈ છે. તેઓ મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા અને સુરત ખાતે નાનપુરા વિસ્તારમાં આવેલ કબુતર ખાના ગલીમાં રહેતા હતા. તેઓ વ્યવસાયે પ્લમ્બિંગનું કામ કરતા હતા.

પરિવારજનોને આ અંગે જાણ થતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મૃતક રાજુભાઈના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાનો હતા, જે સ્પષ્ટ રીતે હત્યા તરફ ઈશારો કરે છે. કોઈ તીક્ષ્‍ણ કે ભારે વસ્તુ વડે તેમના માથા પર ઘા કરવામાં આવ્યા હોય તેવી શક્યતા છે. બનાવની ગંભીરતા જોતાં જ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું, પુરાવા એકત્ર કર્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધીને આ કેસમાં આગળની તપાસ હાથધરી છે. પોલીસ હાલમાં મૃતક રાજુભાઈના અંગત જીવન, પ્લમ્બિંગના વ્યવસાય અને તેમની સાથે છેલ્લે કોણે કોણે મુલાકાત કરી હતી તે અંગેની વિગતો મેળવી રહી છે. આ હત્યા અંગત અદાવતનું પરિણામ છે કે લૂંટના ઇરાદે થઈ છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવથી સમગ્ર નાનપુરા અને અઠવાલાઈન્સ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.