ક્રાઇમ@વડોદરા: અવાવરૂ જગ્યામાં પાંચથી છ મહિના જૂનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવતા ચકચાર

 
ક્રાઇમ
આ શંકાસ્પદ મૃતદેહને લઈને સ્થાનિકોમાં અચંબો ફેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા શહેર નજીકના નેશનલ હાઇવે-48 પાસે આવેલા જામ્બુઆ ગામ નજીક આજે એક ભયાનક ઘટનાઓ સામે આવી હતી. અવાવરૂ જગ્યામાંથી પસાર થતાં એક ટ્રેક્ટર ચાલકને ભારે દુર્ગંધ આવતા તેણે આસપાસ તપાસ કરતા ઝાડીઓની વચ્ચેના એક ઝાડ પર લટકતો માનવ મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ સંપૂર્ણ રીતે ડીકમ્પોઝ હાલતમાં હતો, જેના કારણે ઘટનાસ્થળે અચંબો ફેલાયો હતો. ટ્રેક્ટર ચાલકે ઘટના અંગે પોલીસને માહિતી મળતા મકરપુરા પોલીસ સ્ટાફ ઝડપથી સ્થળ પર દોડી આવ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ મૃતદેહ લગભગ પાંચથી છ મહિનાનો જૂનો હોવાનું જણાઈ રહ્યું છે. મૃતકની અંદાજીત ઉંમર 35 થી 40 વર્ષ વચ્ચે હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ શરીર જમીનને અડેલું અને ધડનો ભાગ ઝાડ પરથી અલગ લટકતું જોવા મળ્યું, જે સૂચવે છે કે મૃતદેહ લાંબા સમયથી ત્યાં હોવો જોઈએ. ડીકમ્પોઝ સ્થિતિને કારણે મૃતકની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. સ્થળ પરથી કોઈ ઓળખપત્ર અથવા પુરાવા પણ મળ્યાં નથી.

આ ઘટનાને પગલે વિસ્તારમાં રહસ્ય ઊંડું બની ગયું છે કે આ વ્યક્તિએ આત્મહત્યા કરી હશે કે પછી તેની હત્યા કરી મૃતદેહ લટકાવવામાં આવ્યો હશે. પોલીસ આ બંને સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે. મૃતકની ઓળખ અને મૃત્યુનું સાચું કારણ જાણવા ફોરેન્સિક તપાસ સહિતના તમામ પાસાંની વિગતવાર તપાસ હાથ ધરાઈ રહી છે. જામ્બુઆ વિસ્તારમાં મળેલા આ શંકાસ્પદ મૃતદેહને લઈને સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઈ છે અને લોકોમાં હચમચાટ વ્યાપ્ત થયો છે.