ક્રાઇમ@વડોદરા: ફ્લેટમાં રહેતા વિદેશી વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળતા ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફતેગંજ વિસ્તારમાં આવેલા એક્સિલન્ટ એપાર્ટમેન્ટના બીજા માળ ખાતેના એક ફ્લેટમાં રહેતા વિદેશી વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં આજે સવારે મૃતદેહ મળતા ચર્ચાનો વિષય બન્યો છે. મૂળ અફઘાનિસ્તાનનો 34 વર્ષનો વિદ્યાર્થી બેનઉલ્લા જીયા છેલ્લા બે વર્ષથી વડોદરામાં રહેતો હતો અને એમ એસ યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો.
પરિવારજનો છેલ્લા બે દિવસથી સંપર્ક કરતા હતા પરંતુ તેની સાથે સંપર્ક નહીં થતાં વડોદરામાં રહેતા તેના મિત્રને તપાસ કરવા જણાવ્યું હતું. વિદેશી વિદ્યાર્થીના મિત્રો ફ્લેટ ઉપર પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો જેના પગલે સ્થાનિક લોકોને બોલાવ્યા હતા અને ફ્લેટનો દરવાજો તોડતા અંદર વિદ્યાર્થી મૃત અવસ્થામાં જણાયો હતા. આ અંગે સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી. વિદ્યાર્થીનું મોત કેવી રીતે થયું તે પીએમ બાદ જ જાણવા મળશે.

