ગુનો@વડોદરા: ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી ઘરેણાની ચોરી કરીને તસ્કરો ફરાર, ભગવાનને પણ ન છોડ્યા

 
ઇસ્કોન મંદિર

હાલ પોલીસની અલગ અલગ ટીમ મોકલી તપાસ હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે, કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ચોરીને બેખૌફ અંજામ આપી રહ્યા છે. શહેરના સુપ્રસિદ્ધ ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી ઘરેણાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે. પોલીસે ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે.વડોદરામાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. હવે તો ભગવાનને પણ તસ્કરો છોડતા નથી. વડોદરા શહેરમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે.

મંદિરના ગર્ભગૃહમાંથી તસ્કરો ભગવાનના ઘરેણાની ચોરી કરી ફરાર થયા છે. ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. મંદિરમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની ચેઈન સહિત અન્ય ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે.શહેર ડીસીપી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ મંદિરમાંથી આશરે દોઢ લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. હાલ પોલીસની અલગ અલગ ટીમ મોકલી તપાસ હાથ ધરી છે. અને સીસીટીવી સર્વેલન્સને આધારે ચોરનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.