કાર્યવાહી@અમદાવાદ: 1990ના દશકની કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર અમીનાબાનુના મકાન પર ફરી વળ્યું બુલડોઝર
Aminabanu

અટલ સમાચાર, ડેસ્ક 

1990ના દશકની કુખ્યાત ડ્રગ્સ સપ્લાયર અને બુટલેગર મહિલા આરોપી આમીનાબાનુની તપાસ દરમ્યાન પોલીસે હવે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અમીનાબાનુનું દરિયાપુરની ભંડેરી પોળમાં આવેલું ઘર તોડી પાડવામાં આવ્યું છે. કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલરના ત્રણ માળના મકાનને તોડી પાડવામાં આવ્યું છે.  

અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી ગત 24 ઓગસ્ટના રોજ 31 ગ્રામ એમડી ડ્રગ્સના 3.31 લાખ રૂપિયાના જથ્થા સાથે કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીત સમીર બોન્ડની ધરપકડ કરી હતી. અમીનાબાનુ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ ડીલર તરીકે નેટર્વક ચલાવતી હતી. જેમાં 100થી વધુ ડ્રગ્સ પેડલરો અમીનબાનુના સંપર્કમાં હતા.  

Aminabanu

પોલીસ પૂછપરછમાં થયો ખુલાસો 

આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, અમીનાબાનુ કોડ વર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સનું વેચાણ કરતી હતી. ડ્રગ્સ ખરીદવા આવનાર ગ્રાહક કે પેડલરો મન્ચુરિયન કે માલ નામના જુદા જુદા કોડ વર્ડ દ્વારા ડ્રગ્સ ખરીદતા હતા. આ ઉપરાંત અમીનાબાનુનો સાગરીત સમીર ડ્રગ્સની ડિલિવરી કરતો હતો અને છેલ્લા 2થી 3 વર્ષથી ડ્રગ્સનું નેટવર્ક ધમધમી રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

જાણો કોણ છે અમીનાબાનુ ? 

અમીનાબાનુ ઉર્ફે ડોનના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 1980થી 1990 દરમ્યાન અમીનાબાનુ દારૂનો ધંધો કરતી હતી અને ત્યાર બાદ 2002માં ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. આ દરમ્યાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે NDPSના ગુનામાં ધરપકડ કરતા અમીનાબાનુને 10 વર્ષની સજા થઈ..જેલમાં સજા ભોગવ્યા બાદ છૂટીને ફરી એક વખત દારૂનો ધંધો શરૂ કર્યો અને તેની વિરુદ્ધ દારૂને લઈને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 7થી વધુ ગુના નોંધાયા છે. ડ્રગ્સ ડીલર અમીનાબાનું મુંબઈથી ડ્રગ્સનો માલ મંગાવતી હતી અને મુંબઈથી વડોદરા મારફતે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં લાવતી હોવાનું ખુલ્યું છે.