સુરત: પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી તેને અકસ્માતનું નામ આપી દીધું

6 મેના રોજ આખી હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે હાલ હત્યા કરનાર પત્ની ડિમ્પલ અને અમદાવાદનો પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે.
 
surat m

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં ચકચાર મચાવતી હત્યા સામે આવી છે. પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા નીપજાવીને તેને અકસ્માતનું નામ આપી દીધું હતું. પરંતુ સુરત ગ્રામ્ય પોલીસે કરેલી તલસ્પર્શી તપાસને કારણે આ આખો ભેદ ઉકેલાયો છે. સુરતના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં મહાત્મા ગાંધી કુટિરની સંચાલિકા ડિમ્પલ સેવનિયાએ અમદાવાદના પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા સાથે મળી વકીલ પતિ વીરેન્દ્રસિંહ સેવાનિયાની હત્યા કરી નાંખી હતી. 16 મેના રોજ આખી હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે હાલ હત્યા કરનાર પત્ની ડિમ્પલ અને અમદાવાદનો પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે, તાલુકાના ઉમરાછી ગામમાં 16મી મેના રોજ માજી સરપંચ અને વકીલ વીરેન્દ્રસિંહ સેવાનિયાનું મોત થયું હતુ. જે બાદ પત્ની ડિમ્પલે જણાવ્યું હતુ કે, પતિ રાતે પાણી પીવા જતા દરમિયાન ધાબા પરથી પડી ગયો હતો. જે બાદ તેમનું મોત નીપજ્યું હતુ. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. જે બાદ પરિવારે અગ્નિસંસ્કાર પણ કરી લીધા હતા. પરિવારને પત્ની ડિમ્પલનું વર્તણૂંક અજીબ લાગતું હતું. જેથી પોલીસ સામે શંકા વ્યક્ત કરતા આખા કેસની તપાસ ફરીથી શરૂ કરવામાં આવી હતી.

આ ભેદ ખોલવા માટે જિલ્લા એલસીબી અને એસઓજી પણ તપાસમાં જોડાઇ હતી. આ સંયુક્ત કામને પગલે જિલ્લા એસઓજીને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ઉમરાછી ગામના ગાંધી કુટીરનું સંચાલન કરતી ડિમ્પલ તેમજ અમદાવાદથી આશ્રમની વિઝીટ કરવા આવતા અધિકારી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્મા ઉ.વર્ષ 32 (રહે .હાલ- 401 શ્રી શરણ અબજી બાપા ગ્રીન્સની પાસે અંજના ચોક નવા નિકોલ અમદાવાદ, મૂળ રહે. ભાન્ક્પુરા ગામ જયપુર, રાજસ્થાન)ની આંખો મળી હતી. જે પ્રેમે એક વ્યક્તિની ઘાતકી હત્યા નીપજાવી દીધી હતી.


આ ગોઝારી ઘટનાની રાત્રે પ્રેમિકા ડીમ્પલ સેવનિયાએ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માને અમદાવાદથી બોલાવ્યો હતો. મધ્ય રાત્રીએ હેમંત ઉર્ફે પીન્ટુ શર્માએ મૃતક વીરેન્દ્રસિંહ સેવનિયાના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ પત્ની ડિમ્પલ સેવનિયાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા હતા. તેમજ પથ્થર પણ ધોઈ નાખ્યો હતો અને આખી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસની તલસ્પર્શી તપાસને લઇ આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે મૃતકની હત્યારી પત્ની ડીમ્પલ સેવનિયા તેમજ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે.