બનાવઃ પગાર ઓછો હોવાથી પત્ની વારંવાર પૈસા માટે કરતી ઝઘડા, અંતે પતિની ક્રૂરતાથી હત્યા કરી
રાજસ્થાન

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાનના બાડમેરમાં પત્નીએ સેલરી ઓછી હોવાની નજીવી બાબતે તકરારમાં પતિની ક્રૂરતાથી હત્યા કરી નાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પતિનો પગાર ઓછો હતો. જેથી પત્ની પૈસા બાબતે અવારનવાર પતિ સાથે ઝઘડો કરતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે બંને વચ્ચે પૈસાને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન પત્નીના હાથમાં બેલ્ટ હતો. તેણે બેલ્ટ વડે ગળું દબાવીને પતિની જ હત્યા કરી નાખી હતી. પતિ-પત્નીની ચીસોનો અવાજ આવતા જ પરિવારજનો પુત્રના ઘર તરફ દોડી આવ્યા હતા. સંબંધીઓનું કહેવું છે કે, તેઓ તેના રૂમમાં પહોંચ્યા ત્યારે પુત્ર જમીન પર પડેલો હતો અને પુત્રવધૂ તેના મૃતદેહ પાસે ઉભી હતી. આ ઘટના બાડમેરના જાટિયોના નવા વાસની છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

પોલીસ ચોકીના ઉચ્ચ અધિકારી ઉગમરાજ સોનીનું કહેવું છે કે, શહેરના જાટિયોમાં રહેતી કુંતીએ હત્યાના સંબંધમાં પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે મંગળવારે રાત્રે તેમના પુત્ર અનિલ કુમારની પત્ની મંજુએ ગળુ દબાવીને હત્યા કરી હતી. આ ફરિયાદ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે મૃતકના પોસ્ટમોર્ટમ માટેની તજવીજ પણ હાથ ધરી છે.

પોલીસનું કહેવું છે કે, શરૂઆતી તપાસમાં એ વાત સામે આવી છે કે પતિ ઓછું કમાતો હતો. આ જ કારણોસર દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ ઘટનાના દિવસે પતિ-પત્ની બંનેએ દારૂ પીધો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ પત્નીએ ગુસ્સામાં આવીને પતિની હત્યા કરી નાખી હતી.