બ્રેકિંગ@દેશ: માફિયા ડોન મુખ્તાર અંસારીને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, જાણો શું હતો કેસ ?

 
Mukhtar Ansari

અટલ સમાચાર, ડેસ્ક

કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ગાઝીપુરની MP MLA કોર્ટે ગેંગસ્ટર એક્ટમાં મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવી છે. તેની સાથે જ કોર્ટે તેને 5 લાખ રૂપિયાનો દંડ ભરવા પણ જણાવ્યું છે. આ કેસ વર્ષ 2005માં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા સાથે સંબંધિત છે. આ ઘટના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનના બસનિયા ચટ્ટી પર બની હતી. કહેવાય છે કે, મુખ્તાર અંસારીની ગેંગે પહેલી વાર આ ઘટનામાં એકે-47નો ઉપયોગ કર્યો હતો.

આ ઘટનામાં કૃષ્ણાનંદ રાયને ઘેરીને ચારે તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં ધારાસભ્યનું આખુ શરીર ગોળીઓથી વીંધાઈ ગયું હતું. આ મામલામાં ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકોના ઘટનાસ્થળે મોત થઈ ગયા હતા. આ તમામ લોકો કોઈ કાર્યક્રમમાં સામેલ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ મામલામાં મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશને માફિયા ડોન મુખ્તાર અંસારી, તેના ભાઈ તથા બસપાના સાંસદ અફઝાલ અંસારી સહિત અન્ય વિરુદ્ધ કેસ નોંધાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલામાં ગાઝીપુરની MP MLA કોર્ટમાં લગભગ એક મહિના પહેલા એક અપ્રિલે સુનાવણી પુરી થઈ ચુકી હતી. કોર્ટે અભિયોજન અને બચાવ પક્ષને સાંભળ્યા બાદ આરોપીઓ વિરુદ્ધ દોષ સિદ્ધિ માટે 29 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. કેસ ડાયરી મુજબ આજે આ મામલામાં દોષ સિદ્ધિ પર દલીલો બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે અને દોષિત ઠરતા સજાની જાહેરાત કરી છે.