ક્રાઇમ@અમદાવાદ: બાપુનગરમાં પિતાને પુત્રએ ધોકાના ફટકા ઝીંકી કરી હત્યા

 
Hatya
પીએમ રિપોર્ટ આવતા ખૂલ્યું હતું કે મોત પડી જવાથી નહીં પરંતુ તે હત્યાનો બનાવ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાપુનગરમાં પુત્રે પિતાને તમે કેમ મને તમારી સાથે રાખતા નથી કહીને ઝઘડો કરીને ધોકા ઝીંકી હત્યા કરી નાખી હતી. માતા-પિતાને મનમેળ ન રહેતા વર્ષ 2007થી જુદા રહે છે અને મોટો પુત્ર બેકાર હતો અને માતા સાથે રહેતો હતો જ્યારે નાનો પુત્ર પિતા સાથે રહેતો હતો. આ અંગે નાના ભાઈએ મોટા ભાઈ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં 21 વર્ષીય હર્ષ કલ્યાણકર છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો 30 વર્ષનો મોટો ભાઈ લોકેશ બેકાર છે. તેના માતા ઉષાબેન અને 55 વર્ષના પિતા અશોકભાઈને મનમેળ ન રહેતા 2007થી જુદા રહેતા હતા. લોકેશ માતા સાથે રહેતો હતો અને હર્ષ પિતા સાથે રહે છે. મિત્ર સાથે એક્ટિવા લઇને ડાકોર જતો હતો તે સમયે દાદીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તારા પિતા બાથરૂમમાં પડી ગયા છે તું જલ્દી ઘરે આવ. હર્ષ ઘરે ગયો હતો. બાદમાં હર્ષ પિતાને લઇને હોસ્પિટલ ગયો હતો જ્યાં ડોક્ટર તપાસતા તે મૃત્યુ પામ્યા હતા. તે સમયે બાપુનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પીએમ રિપોર્ટ આવતા ખૂલ્યું હતું કે અશોકભાઈનું મોત પડી જવાથી નહીં પરંતુ તે હત્યાનો બનાવ છે. બાદમાં દાદીએ હકીકત જણાવી હતી કે ધૂળેટીમાં તેઓ ઘરે હતા ત્યારે પુત્ર લોકેશ ઘરે આવ્યો હતો અને પિતાને મને તમે કેમ તમારી સાથે રાખતા નથી કહીને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. બાદમાં લોકેશે કપડાં ધોવાનાં ધોકાથી પિતા પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેને દાદીને પણ આ અંગે કોઈને કહેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નાસી ગયો હતો. આ અંગે હર્ષે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ભાઈ સામે હત્યા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે લોકેશની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.