ગુનો@અમદાવાદ: નજર ચુકવી જ્વેલર્સમાં ચોરી કરતી મહિલાની ધરપકડ, સોનાના દાગીના સહિત 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત

 
ચોરી

પોલીસે મહિલા સામે ઇ.પી.કો. કલમ 380,114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમા જ્વેલર્સમાં ચોરી કરતી મહિલાની નરોડા પોલીસે ધરપકડ કરી છે. મહિલા ચોરી કર્યા બાદ ફૂટપાથ પર ભીખારીની જેમ સુઇ રહેતી હતી જેથી પોલીસને શંકા ના જાય. પોલીસે મહિલા પાસેથી ચોરી કરેલા સોનાના દાગીના સહિત 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મૂળ ધોળકાની મહિલા જોસના દેવીપૂજકની ધરપકડ બાદ પોલીસ તપાસમાં બે ગુનાના ભેદ ઉકેલાયા છે.મહિલાએ આ પહેલા પણ બે અલગ અલગ જ્વેલર્સમાં ચોરી કર્યાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે.

અમદાવાદ શહેરની નરોડા પોલીસને બાતમી મળી હતી કે એક મહિલા ચોરી કરેલા સોનાના દાગીના લઇને સંતોષનગર તરફથી નરોડા ગામ તરફ વેચવા માટે જનાર છે. આ બાતમીના આદારે નરોડા પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી ધરાવતી મહિલા આવતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાના હાથમાં રહેલી થેલીની તપાસ કરવામાં આવતા તેમાંથી એક સોનાની બુટ્ટી નંગ-4 તથા એક સોનાની ચેઇન મળી આવી હતી, જેની બજાર કિંમત 1 લાખ 16 હજાર 076 રૂપિયા થાય છે.

મહિલાની વધુ પૂછપરછ કરવામાં આવતા તેને સાત મહિના પહેલા નરોડા સ્મશાન ચાર રસ્તા પાસે આવેલ સપના જ્વેલર્સમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.નરોડા પોલીસે મહિલા સામે ઇ.પી.કો. કલમ 380,114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.